સાંસદ ભૂપેન્દ્ર યાદવ ગુજરાત ભાજપનાં પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત થશે?
28, જુન 2021

ગાંધીનગર, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, પરંતુ હવે તેઓ ગુજરાતને છોડે તેવું લાગી રહ્યું છે.ગુજરાત છોડે એટલે કે તેઓ હવે ગુજરાત ભાજપના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી મુક્ત થવા ઈચ્છીએ રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ઘણાં નિકટના મનાતા એવા ભૂપેન્દ્ર યાદવ આગામી ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રી બનીને કેન્દ્રિય મંત્રીમંડળમાં સ્થાન મેળવે તેવી સંભાવનાઓ છે. જાે આ સંભાવના સાકાર થાય તો પ્રદેશ ભાજપના પ્રભારી તરીકે નવી વ્યક્તિને સ્થાન મળી શકે છે.પ્રદેશ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાલ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ પણ છે. ભૂપેન્દ્ર યાદવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના િ વિશ્વાસુ ગણાતા હોવાથી આ બંને નેતાઓએ તેમના હોમ સ્ટેટ ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. આ અગાઉ યાદવને તેમણે વિવિધ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં પણ જવાબદારી સોપવામાં આવી આવી હતી. ર્ષ ૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમની ઈન્ચાર્જ તરીકે નિમણૂક કરાઈ હતી. આ ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ ૧૨ જેટલી સંસદીય સમિતિઓમાં ચેરમેન તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. ગુજરાત ભાજપના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા ભૂપેન્દ્ર યાદવે તાજેતરની ગુજરાતની મુલાકાત દરમિયાન રાજ્યમાં સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ જાળવવા માટેના ભરપૂર પ્રયાસો કર્યા હતા. ગુજરાત ભાજપના છેલ્લા કેટલાક સમય પછીના સશક્ત પ્રદેશ પ્રમુખ એવા ચંદ્રકાંત આર. પાટીલ અને રાજ્યના સંવેદનશીલ ગણાતા એવા મુખ્યમંત્રી વિજય રુપાણીની ટીમ વચ્ચે સંકલન સાધવા માટે પ્રદેશ પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવે ડિનર ડિપ્લોમસી પણ કરી હતી.ભૂપેન્દ્ર યાદવે તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન ખાસ કરીને તેમણે ગાંધીનગર સ્થિત એક બંગલામાં ભાજપના વર્તમાન નેતાઓની સાથો સાથ પક્ષના કેટલાક પૂર્વ વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો યોજી હતી. જેના કારણે ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યા હોવાની ચર્ચાઓએ પણ વેગ પકડી હતી .

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution