વડગામ : વડગામ તાલુકામાં બે વર્ષથી નહીવત વરસાદ વરસતાં તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમના તળીયા દેખાવા લાગ્યા હતા. અડધા ઉપર ચોમાસું વિતવા છતાં ડેમ ખાલીખમ જોવા મળી રહ્યો હતો.પરંતુ ભાદરવામાં વરસાદ વરસતાં નદી નાળા સજીવન થયાં હતાં. જેના કારણે લોકોને ડેમમાં પાણીની આવક થશે તેવી આશા બંધાણી હતી.બે દિવસથી દાંતા, અંબાજી સહીત ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં મોરીયા,ચેલાણા સહીતના ગામડાઓ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણી વહેવા લાગ્યું હતું.જેના કારણે વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં રવિવારના બપોરના બે વાગ્યા સુધી ૨૧૩૦ ક્યુસેક પાણી આવક થઇ હોવાનું મુક્તેશ્વર ડેમના એસ.ઓ.રાકેશભાઇ.પટેલ અને અકબરભાઇ ધોરીએ જણાવ્યું હતું.ડેમની હાલની સપાટી ૧૯૧.૪૫ મીટર પાણીની આવક સાથે નોંધાઇ છે.ડેમની કુલ સપાટી ૨૦૧.૬૫ હોવાનું જણાવાયું હતું.હાલમા પાણીની આવક ચાલુ હોવાની ડેમના સત્તાધીશોએ જણાવ્યું હતું. મુક્તેશ્વર ડેમમાં ૬ ફુટ પાણીની આવક નોંધાઇ છે. ૯ મીટર પાણીની આવક થાય તો ડેમ ફૂલ ભરાય તેવું સૂત્રોએ જણાવ્યું હતું.