વડોદરા : સાસરીયા સાથે અણબનાવના કારણે એક વર્ષથી પિયરમાં રહેતી યુવાન પરિણીતા પર બદદાનત રાખતા પાડોશી યુવકે ગત રાત્રે યુવાન પરિણીતાને મળવા માટે બોલાવી હતી. આ અંગેની પરિણીતાએ તેના ઘરે જાણ કરી હતી જેથી તેના પિતાએ પાડોશી યુવકના ઘરે જઈને ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી ઉશ્કેરાયેલા માથાભારે પાડોશી યુવક પરિણીતાના ઘરે દોડી ગયો હતો અને તેણે પરિણીતાના વૃદ્ધ પિતાના પેટમાં ચાકુના ઘા ઝીંકી તેમની કરપીણ હત્યા કરી હતી.

હાથીખાના વિસ્તારમાં શ્રીનાથ પેટ્રોલપંપ પાસે રામદેવપીરની ચાલીમાં રહેતી ૨૩ વર્ષીય અંજલી મુકેશભાઈ ગીલાતરે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે બે વર્ષ અગાઉ તેનું લગ્ન બીલીમોરામાં મુકેશભાઈ સાથે થયું હતું પરંતું સાસરીયા સાથે અણબનાવ હોઈ તે હાલમાં તેના પિયરમાં રહે છે. અંજલીના માતાની તબિયત ખરાબ હોઈ ગઈ કાલે તેના કાકી ગૈારીબેન માતાની તબિયત જાેવા માટે ઘરે આવ્યા હતા અને વાતચિત બાદ તે રાત્રે આશરે સાડા અગિયારવાગે ઘરે જવા માટે નીકળતા અંજલી અને તેની બહેન નિર્મલા કાકીને છોડવા માટે બહાર રોડ સુધી ગયા હતા.

બંને બહેનો ઘરે પરત જતી હતી તે સમયે તેઓના પાડોશમાં રામદેવપીરની ચાલીમાં રહેતો ૩૮ વર્ષીય વરુણ ઉર્ફ અરુણ મહેન્દ્ર પટેલે ગલીના વળાંક પર અંજલીને આંતરી હતી અને જણાવ્યું હતું કે તું મને મળ, મારે તારુ કામ છે. જાેકે અંજલીએ હું તને કેમ મળુ? તેમ કહેતા તેણે તું કેટલી સારી છે? તે મને ખબર છે તેમ કહ્યું હતું જેથી અંજલી વધુ કંઈ બોલ્યા વિના ઘરે ગઈ હતી અને તેના માતા-પિતાને આ અંગે જાણ કરી હતી. વરુણ પુત્રી પર બદદાનત રાખતો હોવાની જાણ થતાં જ અંજલીના માતા -પિતા તુરંત વરુણના ઘરે ગયા હતા અને વરુણના ઠપકો આપી આ અંગેની તેની પત્નીને જાણ કરી હતી અને ઘરે પરત આવ્યા હતા. જાેકે તે પરત આવતાની ગણતરીના મિનિટોમાં વરુણ અપશબ્દો બોલતો હાથમાં ખુલ્લા ચાકુ સાથે અંજલીના ઘરમાં ધસી ગયો હતો. તેને ચાકુ સાથે જાેતા જ ૫૫ વર્ષીય દેવજીભાઈ ગભરાઈને ઘરની બહાર બાથરૂમ તરફ દોડતા જ વરુણે તેમનો પીછો કરી શર્ટનો કોલર પકડી ખેંચ્યા હતા. તે બચાવ માટે વળતા જ વરુણે તેમના પેટમાં ચાકુનો ઘા ઝીંકી દીધો હતો જેના પગલે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ હુમલાના પગલે બુમરાણ મચતા વરુણ લોહીથી ખરડાયેલું ચાકુ ત્યાં જ ફેંકીને ફરાર થયો હતો. બીજીતરફ દેવજીભાઈને પરિવારજનોએ તુરંત પાડોશીના ટેમ્પોમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જયાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.

હત્યાના બનાવની જાણ થતાં કારેલીબાગ પોલીસ મથકના પીઆઈ આર એ જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે હુમલાખોર વરુણને ઝડપી પાડી ઘટનાસ્થળેથી ચાકુ પણ કબજે કર્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી વરુણનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી હતી.

બે પરિવારના ૧૩ જણા નિરાધારા થયા

હત્યામાં માર્યા ગયેલા ૫૫ વર્ષીય દેવજીભાઈ ભલાભાઈ સોલંકી નાગરવાડામાં ભંગારની દુકાનમાં મજુરી કામ કરતા હતા. તેમના પરિવારમાં પત્ની, છ પુત્રીઓ અને એક પુત્ર છે જે પૈકી એક પુત્રી પરિણીત છે જયારે બે પરિણીત પુત્રીઓ તેમની સાથે રહે છે, એક પુુત્રી પ્રજ્ઞાચક્ષુ છે જયારે એક પુુત્રી ફક્ત એક આંખે જાેઈ શકે છે જયારે સૈાથી નાનો પુત્ર ૧૬ વર્ષીય અનિલ ધો.૧૦માં અભ્યાસ કરે છે. ઘરમાં કમાવનાર તે એક માત્ર વ્યકિત હતા અને તેમની હત્યાથી સમગ્ર પરિવાર નોંધારો થયો છે. જયારે હત્યારો વરુણ પગરખાની દુકાનમાં નોકરી કરતો હતો અને યુવાન પત્ની તેમજ વૃધ્ધ માતા અને ત્રણ નાની પુત્રીઓ સાથે રહેતો હતો. હત્યામાં દેવજીભાઈનું મોત થતા તેમજ વરુણની ધરપકડ બાદ તે હવે જેલમાં જશે તેવા સંજાેગોમાં બંને પરિવારના ૧૩ સભ્યો નિરાધાર થયા છે.