આણંદ-

મળતી વિગત અનુસાર, લાંભવેલ ગામના પૂર્વ સરપંચ ઈશ્વર રામાભાઈ રાઠોડ સવારે 11 વાગ્યે મોટી નહેર પાસે આવેલા રેલવેના ગરનાળા નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન ઝાડી-ઝાંખરામાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આથી તેમણે તરત જ આણંદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.

મહિલાનો મૃતદેહ જોઈને તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જોકે, પ્રાથમિક રિપોર્ટમાં મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેનું ગળું અને મોં દબાવીને હત્યા કરી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રેપ વીથ મર્ડરનો ગુનો દાખલ કરી મહિલાની ઓળખ કરવાની દિશામાં તપાસ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આસપાસના વિસ્તારોમાં મહિલા સંદર્ભે તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેનું કોઈ વાલીવારસ મળ્યું નહોતું.

જો કે, મહિલાના જમણા હાથે કંઈક લખાણ જોવા મળ્યું હતું. જ્યારે ચહેરા પર તીક્ષ્ણ હથિયારના કાપા પડેલા જોવા મળ્યા હતા, તેમજ શરીરના અન્ય ભાગે પણ ઈજા જોવા મળી હતી. હાલ આણંદ ગ્રામ્ય પોલીસ સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરી મહિલાની ઓળખ કરવા ચક્રો ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરી છે.