વોશ્ગિટંન-

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચૂંટણી રેલીમાં દાવો કર્યો કે, તેઓનાં પુત્ર બેરેને માત્ર 15 મિનિટમાં જ કોરોના વાયરસને માત આપી દીધી હતી. પેંસિલવેનિયાના માટિન્સબર્ગની એક રેલી દરમિયાન ટ્રમ્પે પોતાના સમર્થકોને દાવો કરતાં કહ્યું કે, તેઓનો પુત્ર 15 મિનિટમાં કોવિડ-19 જેવા ખતરનાક વાયરસથી મુક્ત થઈ ગયો હતો.

ટ્રમ્પે રેલીમાં પોતાના પુત્રની મજબૂત રોગપ્રતિકારક ક્ષમતા અંગે જણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, ડોક્ટરે બેરન કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. પણ 15 મિનિટ બાદ જ ફરીથી તેની તબિયત અંગે પુછતાં ડોક્ટરે કહ્યું કે, બેરનનો વાયરસ જતો રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, આ અમારા માટે હેરાન કરનારી પરિસ્થિતિ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સ્કૂલ ખોલવા પર વિચાર કરી રહ્યા છે. પણ મોટાભાગના રાજ્ય ટ્રમ્પના આ ર્નિણયનું સમર્થન કરી રહ્યા નથી. ટ્રમ્પે ચૂંટણી રેલીમાં પોતાના પુત્ર અંગે એટલાં માટે વાત કરી કે જેથી લોકો સુધી એ સંદેશ જાય કે ફરીથી સ્કૂલો ખોલવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ટ્રમ્પે પુત્રની વાત કરતાં રેલીમાં કહ્યું કે, હવે ફરીથી સ્કૂલો ખોલી દેવી જાેઈએ.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સે કહ્યું કે છે કે અમેરિકામાં 7 લાખ 92 હજાર બાળકો કોરોનાથી સંક્રમિત છે. 22 ઓક્ટોબર સુધી એક સર્વેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, અમેરિકામાં કોરોનાનાં કુલ કેસોમાંથી 11 ટકા કેસો માત્ર બાળકોનાં છે.