નડિયાદ-

નડિયાદ પોકસો કોર્ટે આજે દુષ્કર્મના ગુનામાં આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી છે. આ શખ્સ પહેલા કિશોરીને ભગાડી ગયો હતો અને ત્યારપછી તેની મરજી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ બનાવ એક વર્ષ પહેલાં બનેલો હતો, જે કેસની સુનાવણી આ સમયે હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આરોપી ઉપર ૨૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તપાસીને આજે સજા સંભળાવીને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે.

મહુધા તાલુકાના મહિસા તાબેના શક્તિનગરમાં રહેતા રાહુલ ઉર્ફે ભયો બળવંત વસાવા એક વર્ષ પહેલા ૨૦૨૦ની ૧૮ જાન્યુઆરીએ ગામમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. ૧૮ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી એટલે કે, લગભગ ૧ માસ સુધી રાહુલે તેને ગઢડા સ્વામિનારાયણ મંદિર, ગામની સીમમાં આવેલા લીમડીવાળા ખેતરની ઓરડી વગેરે સ્થળોએ ફેરવી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

તદુપરાંત રાહુલે આ ઘટનાના ૨ મહિના પહેલા પણ કિશોરી સાથે ગામની સીમામાં દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર બનાવની ફરિયાદ મહુધા પોલીસ મથકે નોંધવામાં આવી હતી. પોલીસે ઈપીકો કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬(૨)(એન) તથા પોકસો હેઠળની કલમો લગાવી આરોપીને પકડી લીધો હતો.