આણંદ : નડિયાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં ૧૭ વર્ષથી એમએસ સર્જન તરીકે નોકરી કરતાં ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવીને ૧.૩૧ લાખ રૂપિયા જબરજસ્તીથી પડાવી લેનારાં ૩ પુરુષો તેમજ ૩ મહિલાઓને પોલીસે ઝડપી લીધાં હતાં. 

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, ફરિયાદી ડો.ધીરેનકુમાર અરવિંદભાઈ શાહ નડિયાદ શહેરમાં રહે છે અને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં એમએસ સર્જન તરીકે ફરજ બજાવે છે. તેઓએ દશેક વર્ષ પહેલાં એક દર્દીનું સારણગાંઠનું ઓપરેશન કર્યું હતું અને તે દર્દીને સારું થઈ ગયું હતું. આ દર્દીનાં પત્ની કે જેમણે પોતાનું નામ પ્રફુલ્લાબેન દરજી જણાવ્યું હતું તેઓ પતિને લઈને દેખાડવા માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં આવતાં હતાં. પોતે આંગણવાડીમાં નોકરી કરતાં હોવાનું જણાવીને બીજા દર્દીઓને પણ લઈને આવતાં હતાં. આ રીતે ધીરેનકુમાર સાથે ઘરોબો કેળવ્યો હતો. એકાદ મહિના પહેલાં પ્રફુલ્લાબેને મોબાઈલથી ફોન કરીને પેટલાદ બાજુના એક દર્દીને દેખાડવા માટે આવવાનું જણાવ્યું હતું, પરંતુ તેઓ આવ્યા ન હતાં. ત્યારબાદ ૨૯મી સપ્ટેમ્બરના રોજ પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ફરજના ભાગરૂપે જવાનું હોય ધીરેનકુમારે પ્રફુલ્લાબેનને ફોન કરીને દર્દીને પેટલાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવાનું જણાવ્યું હતું. ૨૯મીએ સવારે દસ વાગ્યાના સુમારે પ્રફુલ્લાબેનનો ફોન આવ્યો હતો કે, દર્દી પથારીવશ છે અને ચાલી શકે તેમ નથી, જેથી મારી સાથે તમારે તેમનાં ઘરે આવવું પડશે. એ પછી તેઓ દર્દીને તપાસવા માટે તેમનાં ઘરે જવા રવાના થયાં હતાં. પેટલાદ ફાટક પાસેથી એક યુવતી મળી હતી જેણે પોતાનું નામ હેતલ જણાવ્યું હતંુ. તે પણ ગાડીમાં બેસી ગઈ હતી. આશી ગામેથી થોડે દૂર એક ઘર આવતાં તેઓ ત્યાં ગયાં હતાં. ઘરમાં જતા દર્દી અંગે પૂછપરછ કરતાં પ્રફુલ્લાબેને ધીરેનકુમારને તમે બેસો એવું જણાવીને પાણી આપ્યાં બાદ એકદમ જ બહારથી દરવાજાે બંધ કરી દીધો હતો. દરમિયાન હેતલે એકદમ જ કપડાં કાઢી નાખ્યાં હતાં અને બુમાબુમ કરતાં પાછળનો દરવાજાે ખોલીને ત્રણ ઈસમો પોલીસની ઓળખ આપીને અંદર આવી ગયાં હતાં. ગંદા કામ કરવા માટે આવો છો? બળાત્કારના ગુનામાં જેલ ભેગાં કરી દઈએ? તેવી ધમકીઓ આપવાનું ચાલું કરી દીધું હતું. ગભરાઈ ગયેલાં ડોક્ટરે જવા દેવાં માટે આજીજી કરતાં તેમનાં પણ કપડાં બળજબરીપૂર્વક કઢાવી નાખ્યાં હતાં અને રૂમમાં અગાઉથી જ કપડાં કાઢી નાખેલી હાલતમાં હાજર હેતલ સાથેના જબરજસ્તીથી ફોટા પાડી લીધાં હતાં. તેમજ વીડિયો પણ ઊતારી લીધો હતો. દરમિયાન પ્રફુલ્લાબેન પણ આવી ગયાં હતાં અને આજે તો આને ફસાવી દો તેમ કહેતાં જ એક શખસે વાળ પકડી લઈને માર મારવાનું ચાલું કર્યું હતું. ત્યારબાદ રસોડામાંથી ચાકુ મગાવીને ગળા ઉપર ફેરવી દેવાનું પ્રફુલબેને કહેતાં જ એક શખસ રસોડામાંથી ચાકુ લઈને આવી પહોંચ્યો હતો અને ગળા ઉપર મૂકી દીધું હતું. ત્યારબાદ અપશબ્દો બોલીને ધમકીઓ આપી તબીબના ખિસ્સામાંથી ૬૧૦૦ રૂપિયા તેમજ મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. ડોક્ટરે આજીજી કરતાં બચવું હોય અને સમાજમાં આબરું રાખવી હોય તો પાંચ લાખ રૂપિયા મગાવી લો તેમ કહેતાં જ ડોક્ટરે કહ્યું હતું કે, આટલાં બધા રૂપિયાની સગવડ નથી. રકઝકને અંતે સવા લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ડોક્ટરે પોતાના મિત્ર ડો. ઘનશ્યામ સોઢાને ફોન કરીને સવા લાખ રૂપિયા પેટલાદ મોકલી આપવાનું જણાવ્યું હતંુ. ત્યારબાદ ડોક્ટરને કપડાં પહેરાવીને ત્રણમાંથી એક શખસ કે જેને ધીરૂભાઈ સાહેબ તરીકે બધા સંબોધતા હતાં તે ડોક્ટરની ગાડીમાં બેસી ગયો હતો. પેટાલાદ ચોકડી પાસે આવેલાં ફાટક પાસે ડો.ઘનશ્યામ સોઢાએ મિત્ર મારફતે મોકલી આપેલાં સવા લાખ રૂપિયા આવતાં જ ધીરૂભાઈએ લઈ લીધાં હતા અને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ અડધા કિમી બાદ ધીરૂભાઈ ગાડી ઊભી રખાવીને ઊતરી ગયો હતો. સાથે એવું કહેતો ગયો હતો કે, જાે આ બાબતે કોઈને પણ કાંઈ કહીશ તો તારાં પાડેલાં ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દઈશંુ અને બદનામ કરી દઈશું. માંડમાંડ છુટેલાં ડોક્ટર પોતાના ઘરે આવતાં રહ્યાં હતાં. ત્યારબાદ ગત ૧૭મી તારીખના રોજ તેમનાં મોબાઈલ પર હેતલનો ઘરવાળો બોલું છું, તેમ જણાવીને ફોન કટ કરી દીધો હતો. બાદમાં પ્રફુલ્લાબેને ફોન કરીને કહેલું કે, ફોટા અને વીડિયો મારી પાસે છે, જાે તમારે પૂરું કરવું હોય તો મને ૪૦ હજાર રૂપિયા મોકલી આપો, નહીં તો તમારાં ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દઈશ. આ રીતે અવાર-નવાર ફોન કરીને પૈસાની માગણી ચાલું જ રાખવામાં આવી હતી. પરિણામે ડોક્ટરે પેટલાદ શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનાની ગંભીરતાને સમજીને ૩ મહિલા અને ૩ શખસોને રાઉન્ડ અપ કરીને તેઓના કોવિડ ટેસ્ટ કરાવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. પૂછપરછ બાદ આ હની ટ્રેપમાં બીજી કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેવી શક્યતા જાેવાઈ રહી છે.

ડિપ્રેશનમાં આવી ગયેલાં તબીબને તેમનાં પત્નીએ ઉગાર્યાં અને ફરિયાદ કરાવી

હનીટ્રેપનો ભોગ બનેલાં ડોક્ટર ડિપ્રેશનમાં આવી ગયાં હતાં. જાેકે, તબીબના પત્નીએ આવાં કપરાં સંજાેગોમાં પતિનો ભરપંર સાથે આપ્યો હતો. તેણીએ જ પોલીસ ફરિયાદ કરવાની હિંમત આપતાં આખરે તબીબે પેટલાદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. હની ટ્રેપમાં ફસાયા બાદ ૧.૩૧ લાખ ગુમાવીને સંતોષ માનેલાં તબીબને ઠગ ટોળી દ્વારા ફરીથી ફોન કરીને પૈસાની માગણી કરી ફોટા તેમજ વીડિયો વાઇરલ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી, જેને લઈને તેઓ ડિપ્રેશનમાં આવી ગયાં હતાં.