19, ઓગ્સ્ટ 2023
ભરૂચ, તા.૧૯
નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચી અને વનકમીઁને ચોક્ક્સ બાતમી મળી હતી કે, ચોરી થયેલ ચંદનનો જથ્થો વાલીયા તાલુકાના રૂંધા ગામ ખાતેના એક મકાનમાં હોય વનવિભાગના અધિકારીઓ બાતમીવાળી જગ્યાએ દોડી ગયા હતા. જ્યાં રૂંધા ગામ ખાતે મુળ સુરતના કામરેજના વિમલ મહેતાના ઘરેથી ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ વનવિભાગ સહિત પોલીસે મામલે વિમલ મહેતાની પુછપરછ કરી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. ચંદન ચોર વિમલ મહેતા છોટાઉદેપુરથી લઈ ડાંગ સુધીના વિસ્તારમાં ખેડુતોના સંપર્કમાં રહી ઓછા ભાવે ચંદન ખરીદી કરી લાવી ગેરકાયદેસર સંગ્રહ કરતો હતો. સાથેસાથે જ્યાં ચંદન ચોરી થાય તે ચંદન ચોરોના સતત સંપર્કમાં રહી ચોરી કરેલ માલ પણ પોતે ખરીદી કરી લેતો હતો અને જે તે માંગણી મુજબ મશીનરીનો ઉપયોગ કરી ચંદનને વિવિધ સ્વરૂપે સુરત સહિત આજુબાજુના જૈન મંદિરોમાં વેચતો હતો. સાથે જ કોઈને શંકા ન જાય માટે જ વેચાણ અંગેનું બિલ પણ આપતો હતો.હાલ નેત્રંગ વનવિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિમલ મહેતાની ધરપકડ કરી ચંદન ગોળ આખા, ચંદનના ટુકડા, ચિપ્સ, પાવડર, છોલ સહિતની વસ્તુઓ મળી અંદાજીત ૩૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ઉલ્લેખનીય છે કે, ભરૂચ-નમઁદા જીલ્લાના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે વનવિભાગ વિભાગની ટીમો સતત કામગીરી કરી રહી છે. વનવિભાગના હદ વિસ્તારમાં ગેરકાયદેસર લાકડાના કટીંગ હોય કે અન્ય પ્રવૃતિઓ બાબતે સતત ગુના ખોરીને અંજામ આપતાં તત્વોના કાયદાના પાઠ ભણવવામાં આવી રહ્યા છે. તેવા સંજાેગોમાં નેત્રંગ વનવિભાગે ગેરકાયદે ચાલતા ચંદન વેચાણના કૌભાંડને ઝડપી પાડવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.