લંડનઃ

બ્રિટનમાં કોરોનાનો નવો વેરીઅન્ટ મળી આવ્યા પછી દેશ-વિદેશમાં ફેલાયેલો ફફડાટ હજી શમ્યો નથી ત્યાં વૈજ્ઞાનિકોને માટે દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલો એક નવો કોરોના વેરીઅન્ટ માથાનો દુખાવો બની ગયો છે. વૈજ્ઞાનિકો માને છે કે, આવો કોઈક વેરીઅન્ટ જાે રસીથી મારી ન શકાય તો, તેના માટે નવેસરથી તમામ ટ્રાયલ્સ કરીને ડેટા ભેગો કરવો પડે. શક્ય છે કે, હાલમાં જે વેક્સીન માન્ય કરાઈ છે, તેને બદલવી પણ પડે.

મિડિયામાં હેવાલો છે કે, દક્ષિણ આફ્રિકા અને નાઈજીરીયા સહિત અનેક દેશોમાં કોરોનાના નવા વેરીઅન્ટ જાેવા મળ્યા છે. આ વેરીઅન્ટ પણ પહેલા કરતાં ૭૦ ટકા વધારે ઝડપે ફેલાય છે અને વધારે ઘાતક છે. યુરોપ સહિત દુનિયાના અન્ય દેશોમાં કોરોનાએ જે ઝડપે ફેલાવાનું શરુ કર્યું છે, તેની પાછળ એ બાબત જ કારણભૂત મનાય છે. તેને પગલે કેસો વધી રહ્યા છે.

બ્રિટનના સ્વાસ્થ્યપ્રધાન મેટ હેંકોકે કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો કોરોનાનો નવો વેરીઅન્ટ ખતરનાક છે અને તેનાથી ચિંતા ઊભી થઈ છે. બ્રિટિશ સરકારના વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું છે કે, નવા વેરીઅન્ટની સામે રસી નિષ્ફળ જાય તો એ ચિંતાનુંં કારણ બની શકે. ગત તારીખ ૧૮મીના રોજ દક્ષિણ આફ્રિકાએ જાહેરાત કરી હતી કે, તેના ત્રણ રાજ્યોમાં નવા કોરોના વેરીઅન્ટના કેસો સામે આવ્યા છે. આ વેરીઅન્ટને ૫૦૧વાય.વીટુ તરીકે ઓળખાયો છે. હાલ પૂરતી બ્રિટિશ સરકાર પણ મુંઝવણમાં મૂકાઈ ગઈ છે કે, નવા દક્ષિણ આફ્રિકી સ્ટ્રેનની સામે હાલની રસી અસરકારક પૂરવાર થશે કે કેમ.