અમદાવાદ, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની એક સરકારી સ્કૂલમાં ભણાવતા ૫૦ વર્ષીય શિક્ષકને દરરોજ ૧૫૦ કિલોમીટર અંતર કાપીને ઘરેથી સ્કૂલ આવવું-જવું પડે છે. જેનું કારણ છે કે, આ શિક્ષક શિડ્યુલ કાસ્ટ હેઠળ આવતાં વાલ્મિકી સમાજમાંથી આવે છે. જે ગામમાં આ શિક્ષક નોકરી કરે છે ત્યાંની પંચાયતે સત્તાવાર રીતે કહી દીધું છે કે, તેમને અહીં ઘર નહીં મળે કારણકે ગામમાં વાલ્મિકી સમાજની વસાહત નથી. શિક્ષક સાથે થઈ રહેલા આ દેખીતા અન્યાયને પગલે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને ગત અઠવાડિયે શિક્ષણ વિભાગને પત્ર લખવાની ફરજ પડી હતી. તેમણે પત્રમાં લખ્યું, "શિડ્યુલ કાસ્ટના શિક્ષક ત્રાસ, ભેદભાવ, અસામનતા અને જાતિવાદનો ભોગ બન્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ત્વરિતપણે આ શિક્ષકની બદલી કરવાની માગ કરી છે. ૫૦ વર્ષીય કનૈયાલાલ બારૈયા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છાત્રાળા ગામના રહેવાસી છે. તેમને આ જ જિલ્લામાં આવેલી નિનામા સ્કૂલમાં ટ્રાન્સફર અપાઈ હતી, જે ૭૫ કિમી દૂર આવેલી છે. "હું શાળામાં હાજર થયો પછી મેં ગામમાં ભાડે ઘર શોધવા માટેની કવાયત શરૂ કરી હતી. હું કયા સમાજમાંથી આવું છું તેવો પ્રશ્ન કરાયો હતો. મેં કહ્યું કે, હું વાલ્મિકી સમાજનો છું ત્યારે મને કહેવામાં આવ્યું કે, વાલ્મિકી સમાજના મકાનો અહીં નથી માટે તમને ગામમાં ઘર ભાડે નહીં મળે, તેમ કનૈયાલાલે જણાવ્યું. ગામના સરપંચ અને તલાટીએ પણ ગ્રામપંચાયતના લેટરહેડ પર ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ કનૈયાલાલને આ વાત લખીને આપી હતી. કનૈયાલાલે જણાવ્યું, મેં સામાજિક ન્યાય, શિક્ષણ વિભાગ સહિતના તમામ લાગતાવળગતા વિભાગને આ અંગે ફરિયાદ કરી હતી. આખરે ગત અઠવાડિયે સામાજિક ન્યાય વિભાગે શિક્ષણ વિભાગને મારી બદલી કરવા માટે પત્ર લખ્યો હતો.