૩૧૦ હિટ એન્ડ રન કેસમાંથી એક પણ આરોપીની ધરપકડ નહીં
27, માર્ચ 2022

અમદાવાદ, દર વર્ષે માર્ગ અકસ્માતમાં કેટલાય લોકો જીવ ગુમાવે છે. હાલમાં જ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં હિટ એન્ડ રનના કારણે કેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો તેની માહિતી આપવામાં આવી છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પૂરા થયેલા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં ૨૦૪ હિટ એન્ડ રન થયા અને તેમાં ૧૧૦ લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે અમદાવાદ શહેરની હદ બહાર એટલે કે જિલ્લામાં ૧૦૬ હિટ એન્ડ રનમાં ૯૯ લોકોના મોત થયા છે. અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને કુલ હિટ એન્ડ રનના ૩૧૦ કિસ્સા સામે આવ્યા છે અને એક પણ કેસમાં ધરપકડ નથી થઈ કે દુર્ઘટના સાથે સંકળાયેલા વાહનોની પણ ઓળખ નથી, તેમ સરકારે માહિતી આપી છે. વિરગામના કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં ૨૦૨૦માં ૧૦૦ હિટ એન્ડ રનના કેસ નોંધાયા હતા અને તેમાં ૫૬ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૦૨૧માં ૧૦૪ હિટ એન્ડ રન થયા અને તેમાં ૫૪ લોકોએ જીવ ગુમાવ્યા. અમદાવાદ જિલ્લામાં (મ્યુનિસિપલ કોર્પોરેશન સિવાયના વિસ્તારો) ૨૦૨૦માં ૪૭ હિટ એન્ડ રન થયા અને મૃત્યુઆંક ૩૩ હતો.

૨૦૨૧માં ૫૯ હિટ એન્ડ રનના કેસ નોંધાયા અને ૫૫ લોકો મોતને ભેટ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હિટ એન્ડ રનમાં મૃત્યુદર શહેર (૫૩.૯૨%) કરતાં જિલ્લા (૯૩.૪%)માં વધારે હતો. અધિકારીના જણાવ્યા અનુસાર, ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧માં હિટ એન્ડ રનની સંખ્યામાં નજીવો વધારો જાેવા મળ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે, દુર્ઘટના થઈ તે સ્થળો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાતા નહોતા જેના લીધે કોઈ ધરપકડ કે વાહનની ઓળખ ના થઈ શકી. જાે સીસીટીવી ફૂટેજ હોય તો કોઈ સાક્ષી નહોતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution