વડોદરા, તા.૨૭

ધુળેટીની રાત્રિના શહેરના સમા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટી પર થયેલા હુમલાની ધટના બાદ એક્શનમાં આવેલા પાલિકા તંત્ર દ્વારા સમા તથા છાણી વિસ્તારમાં આવેલા ઢોરવાડાની મુલાકાત લઈને સમાના અલગ અલગ સ્થળે આવેલા ૨૦ ઢોરવાડાને પરવાનગી મેળવી છે કે કેમ અને ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુઓને ટેગીંગ કર્યુ છે કે કેમ તેના પૂરાવા રજૂ કરવા નહી તો ત્રણ દિવસમાં જમીનના પુરાવા તેમજ ઢોરવાડાનો પરવાનો મેળવી લેવા સુચના આપી છે. જાે સમયસર મંજૂરી નહી મેળવાય તો કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીની ટીમ ધુળેટીની રાત્રે સમા વિસ્તારમાં ગાયો પકડવા માટે ગઈ હતી. દરમિયાન ગૌપાલકોએ પાલિકાની ટીમ પરહુમલો કર્યો હતો અને ગાયો છોડાવીને લઈ ગયા હતા. આ બનાવમાં ઢોર પાર્ટી પર હુમલો કરનારા ગૌપાલકો સામે સમા પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી.ત્યારે હુમલાની ધટના બાદ હવે પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યુ છે. પાલિકાની ઢોર પાર્ટીની ટીમે સમા વિસ્તારમાં નવરંગપુરા સોસાયટીમાં પાંચ, જાદવ પાર્કમાં ૧૧ અને છાણી કેનાલ રોડ પર આવેલ ગણેશ નગરમાં ચાર જગ્યાએ ઉભા કરાયેલા ઢોરવાડાના માલિકોને તેમના ઢોરવાડાની મંજૂરી તેમજ જગ્યાના પૂરાવા ઉપરાંત પશુઓને ટેગીંગ કરેલુ છે કે કેમ ? તેની વિગતો ત્રણ દિવસમાં રજૂ કરવા અને આ અંગેની માહિતી વોર્ડ કચેરી અને સેનેટરી વિભાગને જાણ કરવા સુચના આપી છે.

પાલિકાની ટીમ દ્વારા ૨૦ ઢોરવાડાના માલિકોને મૌખિક સૂચના આપી હતી.જાે જરૂરી લાયસન્સ સહિતના પૂરાવા રજૂ કરવામાં નહી આવે તો આ ઢોરવાડા સામે કાર્યવાહી કરવાની સુચના આપી હતી.