મુંબઇ

દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે દરોડા પાડ્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કરિશ્માના ઘરેથી ડ્રગ્સની કંઝપ્શન ક્વોન્ટિટી જપ્ત થઈ છે. જે બાદ તેમની ફરી પૂછપરછ માટે NCBએ સમન્સ મોકલ્યું છે. NCBએ આ પહેલાં પણ કરિશ્માની બે વખત પૂછપરછ કરી ચુક્યું છે. એક વખત દીપિકા પાદુકોણને સામે બેસાડીને કરિશ્માની પૂછપરછ કરવામાં આવી હતી. 

મળતી માહિતી મુજબ, કરિશ્મા પોતાના ઘરમાં હાજર ન હતી. જે બાદ NCBએ ઘર પર સમન્સ ચોંટાડ્યું હતું. NCB સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કરિશ્માનું નામ કેટલાંક ડ્રગ્સ પેડલરે પૂછપરછ દરમિયાન આપ્યું હતું.

થોડાં દિવસો પહેલાં દીપિકા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સને લઈને થયેલી વાતચીત સામે આવી હતી. દીપિકા-કરિશ્મા વચ્ચે આ વાતચીત 28 ઓક્ટોબર 2017નાં રોજ થઈ હતી. કરિશ્મા સાથે થયેલી વાતચીતમાં દીપિકાએ 'hash' અને 'weed' જેવાં શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલી ભાષામાં hashનો ઉપયોગ હશીશ માટે થાય છે.

જો કે બંને વચ્ચે થયેલી વાતચીતમાં તે સ્પષ્ટ નથી થયું કે 'hash' અને 'weed'નો ઉપયોગ કોના માટે કરવાનો હતો. આ ડ્રગ્સના પ્રમાણનો પણ કોઈ જ ઉલ્લેખ થયો ન હતો, પરંતુ આ વોટ્સએપ ચેટ દીપિકાની મુશ્કેલી વધારવા માટે પુરતી છે.

દીપિકાની મેનેજર તરીકે કામ કરતી કરિશ્મા પ્રકાશ 'ક્વાન' નામની એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. આ કંપની 40થી વધુ બોલીવુડ સેલિબ્રિટીઝને ટેલેન્ટ મેનેજરની ફેસિલિટી પુરી પાડે છે. રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહા પણ આ કંપની માટે જ કામ કરે છે. જયા, કરિશ્માની સીનિયર છે.

NCB, CBI અને EDની ટીમ જયાની અનેક વખત પૂછપરછ કરી ચુકી છે. તપાસ દરમિયાન NCBને જયા અને કરિશ્મા વચ્ચે થયેલી ચેટની જાણ થઈ હતી. જે બાદ સમગ્ર મામલો દીપિકા સુધી પહોંચ્યો હતો.