અરવલ્લી,તા.૨૮ 

મોડાસા શહેરના સાંઈમંદિર નજીક વરસાદમાં રોડ પર ઢોળાયેલ ઓઇલના પગલે રોડ પરથી પસાર થતી એસટી બસના ચાલકે વળાંકમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ બાજુમાં રહેલા ઝાડ સાથે ભટકાતાં બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ભારે હોહા મચી હતી. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાંથી એક બાળકીની આંખે ગંભીર ઇજા પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા જાયન્ટ્‌સ મોડાસાના નિલેશ જોશી અને પ્રવીણ પરમારે ઈજાગ્રસ્ત દીકરીને તાબડતોડ રીક્ષા મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતુંમોડાસા-માલપુર રોડ પર ફતેપુરા (દાહોદ) થી વિજાપુર જતી એસટી બસના ચાલકે સાંઈમંદિર નજીક મારૂતિ કોમ્પ્લેક્ષ આગળ વળાંકમાં વરસતા વરસાદમાં રોડ પર ઓઇલ ઢોળાયેલ હોવાથી બ્રેક મારવા જતા બ્રેક ન વાગતા એસટી બસ રોડ પર રેલાઈ રોડ નજીક રહેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસમાં મુસાફરોએ ચીસાચીસ કરી મુકતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. એસટી બસની ટક્કરે ઝાડ ઉખડી ગયું હતું. બસમાં મુસાફરી કરી રહેલા પરિવારની બાળકીની આંખે અને અન્ય મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બાળકીને આંખે ઇજા પહોંચતા સેવાકીય સંસ્થા જાયન્ટ્‌સ મોડાસાના નીલેશ જોશી અને પ્રવિણ પરમારે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર બાળકીને રિક્ષાની વ્યવસ્થા કરી તાત્કાલિક ઈજાગ્રસ્ત બાળકીએ સારવાર અર્થે દવાખાને ખસેડી પરિવારની મદદ કરી હતી. એસટી બસની ટક્કરે ઝાડ તૂટી નજીકમાંથી પસાર થતા વીજતાર પર પડતા વસ્તારમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો.