વડોદરા: ૩૧મી ડિસેમ્બરની રાત્રિએ શહેરના જુદા જુદા વિસ્તારો અને શહેરમાં પ્રવેશવાના માર્ગો ઉપર પોલીસે ગોઠવેલા બંદોબસ્ત, ચેકિંગ અને બ્રેથ એનેલાઈઝરના ઉપયોગથી ૧૫૦ ઉપરાંત લોકો દારૂ પીધેલા ઝડપાયા હતા. જેમાં ભાજપાના મહિલા કોર્પોરેટરનો પુત્ર પણ દારૂ પીને ફરવા નીકળેલાઓમાં સામેલ હતો. જ્યારે જાહેરનામાના ભંગ બદલ ૧૨ વ્યક્તિઓ મળી ૧૬૨ ઉપરાંતની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રતાપનગર વિસ્તારમાં દારૂના નશામાં ભાનભૂલેલા યુવકે ભારે તોફાન મચાવતાં ટીંગાટોળી કરી પોલીસની જીપમાં બેસાડી પોલીસ મથકે લઈ જવાયો હતો.

તહેવારોમાં દારૂની પાર્ટીઓ કરવાની ફેશન બની ગઇ છે. તેમાંય વર્ષનો અંતિમ દિવસ હોય ત્યારે દારૂની પાર્ટીઓ વગરનો વર્ષનો અંતિમ દિવસ થર્ટી ફર્સ્ટ ઉજવાય તે અશક્ય છે. ત્યારે શહેરમાં પોલીસતંત્રનો ચાંપતો બંદોબસ્ત હોવા છતાં શહેરમાં પીવાયેલા દારૂએ ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા હતા. પોલીસે ખુદ દારૂ પીધેલાઓને પકડીને સાબિત કરી દીધું કે શહેરમાં દારૂ વેચાતાં દારૂ પીવાયો છે. પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ૧૩૧ પીધેલાઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

બ્રેથ એનેલાઇઝર લઇને ઠેર-ઠેર ઊભી થઇ ગયેલી પોલીસે પ્રતાપનગર રોડ ઉપરથી દારૂના નશામાં ચૂર એક યુવાનને પકડ્યો હતો. પોલીસે યુવાનને પકડતાં જ તે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી ગયો હતો અને તોફાન મચાવ્યું હતું. જાહેર માર્ગ ઉપર આ યુવાને દારૂ પીધેલી હાલતમાં ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા હતા. નશામાં ચૂર આ યુવાન કાબૂમાં ન આવતા અને ભારે તોફાન મચાવતાં પોલીસને પીસીઆર વાન બેસાડીને પોલીસ મથકમાં લઇ જવાની ફરજ પડી હતી. પોલીસ કમિશનર શમસેરસિંઘના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ મથકોની પોલીસ ટીમોએ છેલ્લા ૨૦ દિવસથી વિવિધ વિસ્તારોમાં સઘન નાઈટ પેટ્રોલિંગ હાથ ધરી હિસ્ટ્રીશીટર, નશાખોરો તથા અસામાજિક તત્ત્વોને ઝડપી પાડ્યા હતા. ખાસ કરીને ૩૧મી ડિસેમ્બર પર્વે લોકો દારૂની પાર્ટી કરતા હોઇ તેમજ કોરોના મહામારીના પગલે રાત્રિ કરફયૂ શરૂ થતો હોવાથી ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે વિવિધ વિસ્તારોમાં બે્રથ એનેલાઇઝર વડે ચકાસણી કરી ૨૭ વાહનચાલકોને નશાની હાલતમાં ઝડપી પાડયા હતા. જ્યારે ૧૦૪ જેટલા પીધેલા લથડીયા ખાતા નજરે પડતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. આ ઉપરાંત ફતેગંજ પોલીસે હદ વિસ્તારમાં કેકશૉપ સંચાલક, છાશવાલાની દુકાન સંચાલક, મહાવીર આઇસક્રીમ દુકાનના સંચાલક, ભાઈલાલ દાબેલી લારીધારક, સયાજીગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં ઢોસા દુકાનધારક અને ગાયત્રી ભવન પાસે ટહેલી રહેલા શખ્સની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી હતી.