દિલ્હી-

દેશમાં અર્થતંત્ર તેના સૌથી ખરાબ દૌરમાંથી પસાર થઈ રહ્યું છે અને જીડીપી નેગેટીવ 23%ની આસપાસ રહેશે તેવા અંદાજ છે અને આ સ્થિતિ વચ્ચે કોરોના સંક્રમણમાં પણ હજુ કયારે રાહત મળશે તે નિશ્ચીત નથી. આ પરિસ્થિતિ વચ્ચે દેશનો વિશાળ મધ્યમ વર્ગ જ અર્થતંત્રને બચાવી શકશે તેવો એક સર્વે મત જાહેર થયો છે. દેશના અગ્રણી અખબાર ઈકોનોમીક ટાઈમ્સના સર્વેમાં જણાવાયું કે જો મોદી સરકારે અર્થતંત્રને વેગ આપવા અને હાલનું સતાવાર સુધારવા માટે કોઈ દાવ લગાવવો હોય તો મધ્યમ વર્ગ પર જ સરકારે દાવ લગાવવો જોઈએ.

દેશમાં માંગનો આધાર મીડલ વર્ગ પર જ છે. જીડીપીના 60% મધ્યમવર્ગ જે ખર્ચે છે તેના પરથી જ આવક થાય છે. ગ્રામીણ અને શહેરી બન્ને ક્ષેત્રોમાં વધતા મધ્યમવર્ગ જ સરકારની મુશ્કેલીનો અંત લાવી શકે છે. આ વિશ્ર્લેષણ મુજબ નિકાસ-ખાનગી મૂડીરોકાણ અને સરકારી ખર્ચ આ તમામને કોરોનાથી અસર થઈ છે અને તે સ્થિતિમાં માંગ વધારો થાય તે એકમાત્ર વિકલ્પ છે. ભારતનું અર્થતંત્ર લાંબા સમયથી મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને આર્થિક નીતિ બનાવવી જરૂરી હતી. 

મૂડ ઓફ ધ નેશન- સર્વેમાં 18.7% કોઈ શરત વગર અર્થતંત્રને પૂર્ણ ટેકો આપવાની આવશ્યકતા દર્શાવી હતી. તા.22.3% એ ઉદ્યોગો માટે વધુ રાહત પેકેજની આવશ્યકતા વ્યક્ત કરી છે. 14.5% એ જરૂરિયાતવાળા લોકોને વધુ નાણા ટ્રાન્સફર કરવાની આવશ્યકતા દર્શાવી હતી અને સૌથી વધુ 44.5% લોકોએ દેશના મધ્યમ વર્ગને ખર્ચ કરવા હાથ છુટ્ટો થાય તે જોવા ખાસ જણાવાયું, ખાસ કરીને સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ) વિ. અટકાવ્યા તેને ખોટુ પગલુ ગણાવતા કહ્યું કે સલામત આવક ધરાવતા આ વિશાળ વર્ગને ખર્ચ કરતા સરકારે અટકાવ્યા છે જે ખોટુ છે. કર્મચારીઓને આવકની ગેરન્ટી છે તો તે ખર્ચ કરશે અથવા ઉદ્યોગ કે અર્થતંત્ર સાથે જોડાયેલા 40 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા આસપાસ હોય તો તેઓ પાસે ખર્ચની અપેક્ષા રાખી શકાય નહી. દેશમાં લોકડાઉનથી 2 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે જેમાં વિશાળ મધ્યમ વર્ગ છે.