સાસણ ગીર મામલે સીએમ કાર્યાલય દ્વારા તપાસના આદેશ?
07, નવેમ્બર 2024 693   |  

ગાંધીનગર, દિવાળીના દિવસે સાસણ ગીરમાં વન કર્મીઓ અને આઇએફએસ-આઇએએસ અધિકારી વચ્ચે થયેલી મારામારીનો મામલો રાજયમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વન કર્મીઓ દ્વારા ગાંધીનગરના આઇએફએસ અને આઇએએસ અધિકારી સાથે કરાયેલી મારામારીના મામલે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ કરાયા હોવાની વિગતો સામે આવી છે. જાે કે, આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યું ન હતું. ગુજરાતમાં કે દેશમાં જ નહીં પરતું સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો માટે જાણીતા સાસણ ગીરમાં દિવાળીના દિવસે સરકારના ઉચ્ચ અધિકારીઓને વરદીધારી સામાન્ય કર્મીની હેસિયત કે સત્તાનો અનુભવ થયો હતો. જેમાં સામાન્ય બાબતમાં ‘મને ઓળખતા નથી’ તેવું કહેનારા રાજ્યના એક આઇએએસ અને આઇએફએસ અધિકારીને સામાન્ય વરદીધારી કર્મચારીની હેસિયત અને સત્તાની અનુભૂતિ થઈ હતી. જેમાં મામલો બીચક્યો હતો જે છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના તહેવારોની રજામાં ગાંધીનગરના એક આઇએએસ રણજીત અને આઇએફએસ અધિકારી ટી. કરૂપાસ્વામી પરિવાર સાથે સાસણ ગીરની મુલાકાતે ગયા હતા. ત્યારે ગત તા. ૩૧ ઓક્ટોબરને દિવાળીના દિવસે આ બંને અધિકારીઓ તેમના પરિવાર સાથે સાસણ ગીરમાં ફરતા હતા ત્યારે આઇએએસ અધિકારીના પુત્રને પેશાબ લાગતાં તેઓ વન વિભાગની જગ્યા પર રોકાયા હતા અને બાળકને પેશાબ કરાવતા હતા. તે સમયે ત્યાં ફરજ પર હાજર મહિલા વન કર્મી દ્વારા તેમની સત્તાનો ઉપયોગ કરીને તેમને અટકાવવામાં આવ્યા હતા. જેના કારણે મહિલા વન કર્મી અને આઇએએસ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે આઇએફએસ કક્ષાના અધિકારી પણ તેમાં જાેડાયા હતા. આ બંને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મહિલા કર્મીને મને ઓળખાતા નથી તેવું કહેવાયુ હતું. જેથી મામલો બીચક્યો હતો. મહિલા વન કર્મી સાથે કોઈ માથાકૂટ કરી રહ્યું છે તેવી માહિતી મળતા આસપાસના વન કર્મીઓ દોડી આવ્યા હતા. જેના કારણે થોડી વાર માટે ધમાસાણ મચી ગયું હતું. જાે કે સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ વન કર્મીઓ અને આ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી. આ ઘટનાના થોડા સમયમાં જ ગાંધીનગર સુધી જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનાં મોબાઈલની રિંગો રણકવા લાગી હતી. જાે કે, આ મામલે બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારોની રજા બાદ પંચાયતથી માંડીને સચિવાલય સહિત સમગ્ર રાજયમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. આ દરમિયાનમાં આ ઘટનાના પગલે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. જેથી આ અંગે મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ કક્ષાના સંબંધિત અધિકારીનો સંપર્ક કરતાં તેમણે આ બાબત અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કાર્યવાહી થતી હોવાનું જણાવ્યું હતું. જ્યારે અન્ય એક અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી વન વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા કાર્યવાહી થઈ હોવાનું જણાવાયું હતું. આ મામલે વન વિભાગના અધિક મુખ્ય સચિવ સંજીવ કુમારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું બહાર છુ. આ અંગે પીસીસીએફ અને હોફ (વન વિભાગના વડા)નો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ અંગે પીસીસીએફ અને હોફ (હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ) યુ. ડી. સિંઘનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ હું જામનગર એક કાર્યક્રમમાં છુ, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાત કરું, તેમ કહ્યું હતું. આમ સાસણ ગીરમાં વન કર્મીઓ અને આઇએફએસ-આઇએએસ અધિકારી વચ્ચેની મારામારીની ઘટનાના તપાસના મામલે તમામ ઉચ્ચ અધિકારીઓ ‘મગનું નામ મરી’ પાડવામાં અચકાતાં હતા.  

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution