કોરોનાના ખોટા રિપોર્ટ ઇશ્યૂ કરતી ખાનગી લેબોરેટરીઓ સામે રાજ્યવ્યાપી તપાસના આદેશ
24, સપ્ટેમ્બર 2020

ગાંધીનગર-

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોવિડ-19ના એન્ટીજન કે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇશ્યૂ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરીઓ સામે કડકમાં કડક પગલાં લેવા આદેશો આપ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિતિમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ વિષયે થયેલી ચર્ચા વિચારણાને અંતે ખાનગી લેબોરેટરીઓ સામે રાજ્યવ્યાપી તપાસના આદેશ આરોગ્ય વિભાગને આપ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, "યોગ્ય પરીક્ષણ વિના કોવિડ -19ના બોગસ ટેસ્ટ રિપોર્ટ આપતી ખાનગી લેબોરેટરીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રી અને નાયબ મુખ્ય તરફથી આપવામાં આવી છે. મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોની રાજ્ય સરકારે ગંભીરતા પૂર્વક નોંધ લીધી છે. સુરત મહાનગરપાલિકાએ સુરતની તેજસ લેબ સામે એપેડેમિક એક્ટ અંતર્ગત તાત્કાલિક કાર્યવાહી કરી છે. એટલું જ નહીં લેબનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે." 

અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, "બોગસ રિપોર્ટ આપતી ખાનગી લેબોરેટરીઓ સામે પોલીસ કાર્યવાહી સહિતના કડક પગલાં લેવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ખાનગી લેબોરેટરીઓની તપાસ કરાશે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાનગી લેબોરેટરીની આકસ્મિક તપાસ કરશે અને જિલ્લા કક્ષાની ટીમો પણ તાત્કાલિક ખાનગી લેબોરેટરીઓની મુલાકાત લઈને તપાસ કરશે. ક્યાંય પણ ગેરરીતિ થયાનું કે બોગસ ટેસ્ટ રિપોર્ટ અપાયા હોવાનું ધ્યાને આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે." 

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, "રાજ્યની તમામ ખાનગી લેબોરેટરી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (જજ્ઞઙ) પ્રમાણે કામગીરી કરે છે કે નહીં, તમામ લેબોરેટરીઓમાં ટેસ્ટિંગના રજીસ્ટરની યોગ્ય જાળવણી થાય છે કે નહીં, તમામ લેબોરેટરીઓમાં યોગ્ય પેથોલોજીસ્ટ ઉપલબ્ધ છે કે નહીં, તમામ લેબોરેટરીઓ બાયોમેડિકલ વેસ્ટનો કઈ રીતે નિકાલ કરે છે, વગેરે અંગે કડક તપાસ હાથ ધરવાના આદેશો કરવામાં આવ્યા છે."

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution