18, નવેમ્બર 2021
અમરેલી, જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે કપાસ મગફળી સહિતના ફરીફ પાકને નુકસાન થયું હતું. પાછોતરો વરસાદ ખેડૂતો માટે મુસીબત બની ગયો હતો. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેને લઇને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય મળી નથી. આથી તાત્કાલિક ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાવવામાં આવે તેવી ખેડુતો માગ કરી રહ્યા છે.સરકાર દ્વારા આઠ જિલ્લામાં સર્વેની કામગીરી પૂરી કરવામાં આવી છે. રાજ્યના કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, સર્વે પૂરો થઈ ગયો છે પણ વિચારણા હેઠળ છે. અગાઉ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અન્ય જિલ્લાઓને પણ પાક નુકશાનીની સહાય આપવામાં આવશે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલીક વિચાર કરે અને પાક નુકસાની સહાય આપવામાં આવે. ભારે વરસાદને લઈને સાવરકુંડલા તાલુકાના ઘોબા,પીપરડી,શેલણા,ફિફાદ સહિતના શેત્રુજી નદીના કાંઠા વિસ્તારના ખેડૂતોના પાકને સારૂએવું નુકશાન થયું હતું.