અરવલ્લી, તા.૧૦ 

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાત્રકગઢ ગામ નજીકથી પસાર થતી ખારી નદી દર વર્ષે ચોમાસામાં મેઘરાજા મહેરબાન થતા અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અવારનવાર બે કાંઠે થતા વાત્રક ગઢ ને બાયડને જોડાતા મુખ્યમાર્ગ પર આવેલા કોઝવે પર પાણી ફરી વળતા ત્રણ ગામ અને ૭ પેટાપરાના લોકો સંપર્કઃ વિહોણા બને છે. વારંવાર સરકાર અને તંત્રમાં રજુઆત કરતા આખરે આઝાદીના ૭૦ દાયકા પછી લોકોની મુશ્કેલીનો અંત આવતા ખારી નદી પર ત્રણ વર્ષ પહેલા પુલ મંજુર થતા લોકોમાં આનંદ છવાયો હતો પરંતુ .છેલ્લા ત્રણ વર્ષથી વાત્રક ગઢ ખારી નદી ઉપર પુલનું કામ ચાલી રહ્યું છે. જે હજુ સુધી પૂર્ણ ન થતાં ગામ અને ગામની આજુબાજુ આવેલા પેટાપરાના રહીશોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.ગ્રામજનો દ્વારા વારંવાર સરકારી કચેરીઓમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ જવાબદાર તંત્ર નિંદ્રાધીન છે. કોઈ મોટી હોનારત ની રાહ જોવાઇ રહી છે. તે હજુ સુધી લોકો સમજી શક્યા નથી. પુલનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે. યુવા અગ્રણી સંજયભાઈના જણાવ્યા અનુસાર પુલની કામગીરીમાં વિલંબ થતા લોકોને પારાવાર યાતનાઓ વેઠવી પડે છે.