૧૦૮ એમ્બ્યુલન્સને બેથી અઢી કલાક ઊભી રાખવામાં આવતાં પાઈલોટોમાં રોષ
27, એપ્રીલ 2021

વડોદરા : શહેર-જિલ્લામાં હાલ કોરોનાની ચાલી રહેલ મહામારી વચ્ચે ખાસ ફરજ પરના અધિકારી (ઓએસડી)એ શહેરની ૧૬૪ જેટલી હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાય અંગે લીધેલા નિર્ણયની સીધી વિપરિત અસર સારવાર લેતાં દર્દીઓ ઉપર પડી છે અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત ઊભી થતાં કોરોનાના દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં ૧૦૮ દ્વારા મોકલી આપવામાં આવી રહ્યા છે. શહેરની બંને સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં બેડની અછતને કારણે મોટાભાગના દર્દીઓને સમરસ કોવિડ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે. જેથી આ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી હતી અને કલાકો સુધી દર્દીઓને લઈને ઊભા રહેવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં, હોસ્પિટલના તબીબો અને નોડલ અધિકારી દ્વારા કોઈ યોગ્ય જવાબ કે દર્દીઓને દાખલ કરવા માટેની વ્યવસ્થા ન કરતાં ૧૦૮ના ડ્રાઈવરોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાંથી આવતી એમ્બ્યુલન્સના દર્દીઓને તાત્કાલિક લેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. હોસ્પિટલના તબીબોની આડોડાઈને કારણે એક વૃદ્ધ મહિલા દર્દીએ વ્હીલચેરમાં જ જીવ ગુમાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાે કે, ૧૦૮ એમ્બ્યુલન્સના પાઈલોટોએ ભારે હોબાળો મચાવતાં કલાકો બાદ ઓક્સિજનના બોટલો સાથે અત્યંત ક્રિટિકલ પરિસ્થિતિમાં આવેલા દર્દીઓને હોબાળા બાદ વોર્ડમાં સારવાર માટે લેવાનું શરૂ કર્યું હતું.

આ ચકચારી સમગ્ર બનાવની વિગત એવી છે કે હાલ શહેર-જિલ્લામાં કોરોનાની ભારે મહામારી ચાલી રહી છે તેવા સમયે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. એ દરમિયાન ઓક્સિજનની બચતને લઈને ઓએસડી ડો. રાવે શહેરની ૧૬૪ જેટલી નાની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય બંધ કરવાના નિર્ણય સાથે દર્દીઓને લેવા અંગે સૂચના આપી હતી જેથી ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે કેટલીક ખાગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના એંધાણ વર્તાતાં દર્દીઓને ૧૦૮ દ્વારા સરકારી સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જાે કે, આ મુખ્ય બંને હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવામાં બેડની અછત હોવાથી આ તમામ દર્દીઓને ૧૦૮ દ્વારા સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સો દર્દીઓને ઓક્સિજનના બોટલો સાથે લઈને આવી પહોંચતાં હોસ્પિટલના સંચાલકો અને ફરજ પરના તબીબોએ ઓક્સિજન અને બેડ ન હોવાનું જણાવી દર્દીઓને લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી એમ્બ્યુલન્સની ઓક્સિજનના બોટલો સાથેના દર્દીઓની સમરસ હોસ્પિટલના મુખ્ય એન્ટ્રી ગેટ સુધીની લાંબી લાઈનો લાગી હતી અને તબીબોની આડોડાઈને લીધે અઢીથી ત્રણ કલાક ઊભા રહેવાનો વારો આવ્યો હતો. આ સ્થિતિમાં કેટલીક એમ્બ્યુલન્સોમાં બોટલમાં ઓક્સિજન ખૂટે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી એમ્બ્યુલન્સના ડ્રાઈવરોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. જાે કે, આ બનાવને પગલે મીડિયા પહોંચતાં હોસ્પિટલના તબીબોએ દર્દીઓ લેવાનું શરૂ કર્યું હતું. હોસ્પિટલના સંચાલકો અને તબીબોના વર્તનને લીધે વ્હીલચેરમાં આવેલ એક વૃદ્ધ મહિલા દર્દીનું મોત થયું હોવાના આક્ષેપો થયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution