અમદાવાદ: શિક્ષકોને કોરોના સર્વેની ફરી કામગીરી સોપવામાં આવતા રોષ
01, જુલાઈ 2020

અમદાવાદ,

કોરોનાની મહામારી ચાલી રહી છે એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા શિક્ષકોને કોરાના ના ડોર ટુ ડોર સર્વેની કામગીરી સોંપતા વિરોધના સુર ઉઠ્યા છે. અગાઉ પણ લૉકડાઉન દરમિયાન મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષકોને પેમ્ફ્લેટ વિતરણ કરવા તેમજ બીમાર વ્યક્તિ ઓનું ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી હતી ત્યારે ફરી ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં શિક્ષકઓને લગાડવાનો પરિપત્ર વિવાદ ઉઠ્યો છે.

જ્યારે પણ રાજ્યમાં કોઈ પણ આપત્તિ આવે છે ત્યારે શિક્ષકઓની હાલત કફોડી થઈ જાય છે. તે વાત નક્કી છે. અમદાવાદમાં હજુ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં આશરે તમામ ઝોનની શાળાઓના 500થી વધું શિક્ષકોને ફરી કોવિડ19ની ડોર ટુ ડોર સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.

પહેલા પણ આ જ પ્રકારની સર્વેની કામગીરીમાં 6 શિક્ષકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. જ્યારે 36 શિક્ષકો કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. તેવામાં ફરી એકવાર શિક્ષકોને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. શિક્ષકઓએ ઘરે ઘરે જઈને વિગતો એકઠી કરવાની કામગીરી કરવાની છે. જેમાં ઘરના કોઈ સભ્યને શરદી, ખાંસી કે તાવ છે. શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો છે. અને જો ફોર્મમાં આ તમામ વિગતોમાં હા હોય તો તે ઘરના સભ્યોના નામ સરનામા અને કેટલા સમયથી તકલીફ છે તે તમામ વિગતો એકત્રિત કરવની સૂચના અપાઈ છે. જે માટે સવારે 8.30થી બપોરે 2.30 વાગ્યા સુધી કામગીરી કરી જે તે ઝોનના અધિકારીને રિપોર્ટ આપવાનો રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution