વડોદરા, તા.૨૫

‘તમે મન મુકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે જેવી છટાદાર પંક્તિ રચીને કવિતાને ઊંચાઇ બક્ષનાર અને સાહિત્ય રચીને લોકોને આફરિન અને મંત્રમુગ્ધ કરનાર વડોદરાના કવિ ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરતા કરાઇ છે. ખલીલ ધનતેજવીને સાહિત્ય અને શિક્ષણની કેટેગરીમાં પદ્મશ્રી આપવાની જાહેરાત કરાઇ છે. તેઓએ લોકસત્તા-જનસત્તાની પૂર્તિઓનું સંપાદન કાર્ય ખૂબ જ ખંતપૂર્વક કર્યું હતું.

પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઇ હતી જેમાં ગુજરાતના સાત મહાનુભાવોનો સમાવેશ થાય છે. આ સાત મહાનુભાવોમાં વડોદરાના દિગ્ગજ કવિ ખલીલ ધનતેજવીનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના જે અન્ય મહાનુભાવોને પદ્મ એવોર્ડની જાહેરાત કરાઇ છે તેમાં સ્વામી સચ્ચિદાનંદને સાહિત્ય અને શિક્ષણની કેટેગરીમાં પદ્મભૂષણ આપવાની જાહેરાત થઇ છે. ડો.લતા દેસાઇને મેડિસિન, માલજીભાઇ દેસાઇને પબ્લિક અફેર્સ, સવજીભાઇ ધોળકિયાને સામાજિક કાર્ય ક્ષેત્રે, જયંતકુમાર વ્યાસને સાયન્સ અને એન્જિનિયરિંગ, પ્રભાબેન શાહને સમાજિત કાર્ય અને રમીલાબેન ગામીતને સામાજિક કાર્યની કેટેગરીમાં પદ્મશ્રી એવોર્ડ અપાવવાની જાહેરાત કરાઇ છે.

ખલીલ ધનતેજવીનો જન્મ વડોદરાના સાવલી તાલુકાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫માં થયો હતો. તેમનું સાચું નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું પરંતુ ત્યારબાદ તેમના ગામ ધનતેજ પરથી તેમણે તેમની અટક ધનતેજવી કરી હતી. જ્યારે જ્યારે ખલીલ ધનતેજવી સ્ટેજ પરથી મુશાયરો અને ગઝલ ત્યારે તેઓ તેમની શબ્દસૃષ્ટિમાંથી મનુષ્યના જીવનના વિવિધ રંગ શ્રોતાઓને આસ્વાદ કરાવતા હતા. તેમણે કારકિર્દીમાં તેમણે કવિતા, નવલકથા, નિબંધો અને કટારલેખનથી ગુજરાતીઓનું મન મોહી લીધુ હતું. તેઓએ પત્રકારત્વ અને ફિલ્મ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી હતી અને જાણીતા અખબારોમાં કટારલેખન પણ કર્યું હતું. ખલીલ ધનતેજવીને ૨૦૦૪માં કલાપી એવોર્ડ, ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ એવોર્ડ અને ૨૦૧૯માં નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો. તેમના કવિતા સંગ્રહમાં સાદગી, સારાંશ, સરોવર, સોગાત, સૂર્યમુખી, સારંગી સામેલ છે. તેઓએ ડો.રેખા, તરસ્યા એકાંત, સુંવાળો ડંખ, વગેરે

સામેલ છે. તેમનું મૃત્યુ ૮૫ વર્ષની ઉંમરે ૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ થયું હતું.