વડોદરા

શહેર નજીક આવેલી ઔદ્યોગિક વસાહત નંદેસરી જીઆઈડીસીમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને જાણીતી કંપનીના ૪૦૦ જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હોવાની વાતો બહાર આવતાં એક તબક્કે હાહાકાર મચી ગયો હતો. જાે કે, નંદેસરી ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ પટેલે છેલ્લા ૧૫ દિવસમાં ૪૦ કેસ નોંધાયા છે એમ જણાવ્યા બાદ મોડી રાત્રે ૧૦ જ કેસ હોવાનો સકર્યુલર જારી કર્યો હતો. શહેર-જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસમાં અત્યંત ઝડપથી વધારો થઈ આંકડા કૂદી રહ્યા છે. ત્યારે નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દીપક નાઈટ્રટેટ, સુદકેમી, કોરોમંડલ અને રણોલીની જીઆઈડીસીની જીએસીએલ કંપનીમાં કોરોનાએ પગપેસારો કર્યો છે અને તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઈન કરીને સારવાર શરૂ કરવામાં આવી હોવાની વાત બહાર આવી હતી. પરંતુ આ વાતને રદિયો આપ્યો છે. અગાઉ નંદેસરીની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં બ્રાન્ચ મેનેજર સહિત ૧૨ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા, જેના પગલે બ્રાન્ચને ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી હતી. કંપનીના એકસામટા અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વાતને પગલે સમગ્ર પંથકમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું.