વડોદરા

એકતરફ કોરોનાને કારણે શાળા-કોલેજોમાં ફી ના મુદ્દાને લઈને અસમંજસ સર્જાઈ રહી છે. એમ.એસ.યુનિવર્સીટીએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની પરિસ્થિતિ સમજીને નવા શૈક્ષણિક સત્રની ફી માં ઘટાડો પણ કર્યો છે. જોકે, વડોદરા જિલ્લામાં જ આવેલી પારુલ યુનિવર્સીટી દ્વારા ફી માં ઘટાડો તો દૂર પરંતુ સમયસર ફી ન ભરનાર વિદ્યાર્થીઓ પાસેથી લેઇટ ફી ના નામે ૩ હજાર સુધીની રકમ પડાવી લેવામાં આવતી હોવાની માહિતી બહાર આવતા આજે એનએસયુઆઇ દ્વારા યુનિવર્સીટી મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાને કારણે મોટાભાગના લોકોના ધંધા રોજગારી પડી ભાંગ્યા છે. વાલીઓ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા પોતાના બાળકોની ફી ક્યાંથી ભરે? તે પ્રશ્ન ઉભો થયો છે. એવામાં સરકાર તરફથી શાળાઓની ફી ઘટાડવાની જાહેરાત કરાઈ છે. પરંતુ કોલેજો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેનો ફાયદો ઉઠાવીને ર્સ્વનિભર કોલેજ સંચાલકોએ કોરોનાકાળમાં પડેલી ખોટની ભરપાઈ કરવામાં લાગી ગયા છે. પારુલ યુનિ. દ્વારા નવા શૈક્ષણિક સત્રની ફી ભરવામાં મોડા પડનાર વિદ્યાર્થીઓ પાસેથી ૩ હજાર સુધીની લેઇટ ફી લેવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેને લઈને એનએસયુઆઇના હોદ્દેદારો દ્વારા આજરોજ પારુલ યુનિવર્સીટીના મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. લેઇટ ફી ઉઘરાવવાનું કારણ જણાવવા અને જે પણ વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી લેવામાં આવી હોય તેને જલ્દીથી પરત કરવાનું જણાવવામાં આવયુ હતું. અને જો યુનિ. મેનેજમેન્ટ આ અંગે ઝડપી ર્નિણય નહિ લે તો યુનિવર્સીટી ખાતે ઉગ્ર આંદોલન કરી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને આ અંગે ફરિયાદ કરવાની ચીમકી આપવામાં આવી હતી.