ભૂજ ભૂજના બન્ની વિસ્તારમાં આવતા ઢોરી ગામથી ભોજરડોને જાેડતા માર્ગ પર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૧૯ કિલોમીટર માર્ગ નિર્માણનું કાર્ય મંજૂર થયું હતું. પરંતુ ૩ કિલોમીટર સુધીના માર્ગ સિવાય ૧૬ કિલોમીટર સુધીના માર્ગ નિર્માણમાં ડામર પાથરવાનું કામ અધૂરું છોડી દેવાયું છે. જેના કારણે હવે આસપાસના ગ્રામજનો માટે પાકો રોડ બનવાનું સ્વપ્ન ફરી એક વખત અધરું રહ્યું છે. ખાસ કરીને બન્ની વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના ઉદ્દેશથી મંજૂર થયેલું કાર્ય વહીવટી આટીઘૂટીમાં અટકી પડ્યું છે. આ માટે સ્થાનિક લોકોએ તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિના કારણે કામ બંધ થયુ હોવાનો આક્ષેપ કર્યો હતો. દેશની આઝાદીના ૬૮ વર્ષ પછી બન્ની વિસ્તારના જાણીતા ઢોરી, છછી અને ભોજરડો ગામ માટે ૧૯ કી.મી રોડ મંજૂર થયો હતો, પરંતુ ૨ થી ૩ કિલોમીટર સુધીજ ડામર પાથરવામાં આવ્યો જ્યારે બકીનો માર્ગ અધૂરો છોડી દેવામાં આવ્યો છે. આ વિશે જૂથ ગ્રામ પંચાયતના સભ્ય અમીન હાજી જૂણેજાએ તંત્રની ઉદાસીનતાના કારણે કામ અટકી પડ્યું હોવાનું અને માર્ગ નિર્માણમાં ગેરરીતિ થઈ હોવાનું કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, માર્ગ નિર્માણ કરતી એજન્સીને આ માટે રૂ. ૧૪.૫૧ કરોડની રકમ પણ ચૂકવાઈ ગઇ છે. તેમ છતાં ત્રણ ગામને જાેડતા રોડમાં ડામર પાથરવાનું કામ થતું નથી. અલબત્ત જંગલખાતાએ આ માર્ગને એન.ઓ.સી.ના નામે અટકાવી દીધું હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. જાેકે, વર્ક ઓડર બાદ મેટલનું કામ પૂર્ણ થયું ત્યાં સુધી જંગલખાતા દ્વારા આ કામ કેમ અટકાવવામાં ન આવ્યું ? તે તપાસનો વિષય હોવાનું લોકોએ કહ્યું હતું. દરમિયાન કામ અટકી જતા સ્થાનિક લોકોને અવરજવર માટે વધુ પરેશાની ઉભી થઇ રહી છે. ખાસ કરીને કોઈ વ્યક્તિને બીમારીમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં પારાવાર હાલાકી ભોગવવી પડે છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે એવી માગ ઊઠી છે.