વડોદરા : વડોદરાને જરૂરી ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં નહીં આપવાના રાજ્ય સરકારના પાપે આજે માણેજા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલના ૩૫ જેટલા કોરોનાના દર્દીઓને ઓક્સિજનના અભાવે જીવ ખોવાની નોબત ઊભી થયાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. આ તમામ ૩૫ દર્દીઓ પૈકી પાંચને તત્કાળ અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરામાં ઓક્સિજનના અભાવે ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લાં કેટલાંય દિવસથી ઓક્સિજનની માગ સામે જરૂરી પુરવઠા સામે ઓછો મળી રહ્યો હોવાની બૂમો ઊઠી છે. તેવા સમયે આજે શહેરની માણેજા વિસ્તારમાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલ શ્રીજી હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો ખૂટી પડે અને દર્દીઓના જીવ જાેખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના પરિણામે હોસ્પિટલના ડોકટરો દર્દીઓને સરકારી મેડિકલ સુવિધામાં હાઈફલો ઓક્સિજન મળી રહે તેવી હોસ્પિટલોમાં શિફટ કરવા મજબૂર બન્યા હતા. જાે કે, હોસ્પિટલના ડોકટરોએ ઓક્સિજનની માગ કરી હતી. પરંતુ વહીવટીતંત્ર દ્વારા ઓક્સિજનનો પુરવઠો સપ્લાય કરવામાં આવ્યો ન હતો. હોસ્પિટલના ડો. ઉમેશ પરમારે જણાવ્યું હતું કે સવારથી જ ઓક્સિજનનો જથ્થો મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ પરંતુ તંત્ર દ્વારા ઓક્સિજનનો સપ્લાય કર્યો નથી, જેથી ઓક્સિજનનો પુરવઠો મેળવી શકયા નથી. હવે તે ક્યારે મળશે એ પણ પ્રશ્ન ઊભો હતો. જેથી ઓક્સિજનની અછતના અભાવે આઈસીયુમાં દાખલ ૩૦ જેટલા દર્દીઓને અન્યત્ર શિફટ કરવા પડે એવા સંજાેગો છે. આવી રહ્યા છે અને આક્ષેપો કર્યા હતા કે શહેરમાં ચૂંટાયેલા નેતાઓ માત્ર ને માત્ર મિટિંગો અને રજૂઆત કરીને ઓક્સિજન મળશે તેવા ઠાલા આશ્વાસનો આપી રહ્યા છે. બીજી તરફ ઓક્સિજનના અભાવે લકોનોા જીવ જાેખમમાં મુકાઈ રહ્યા છે અને કેટલાક દર્દીઓ મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, તેમ છતાં આ ગંભીર પરિસ્થિતિમાં શહેરનો એકપણ નેતા કે પ્રતિનિધિ શહેરને ઓક્સિજન જરૂરિયાત પ્રમાણે મળશે તે સુનિશ્ચિત કરાવી શકે તેમ નથી. હોસ્પિટલના બેડ વધારતાં સમયે પોતાની વાહ-વાહી કરતા અને કરાવતા નેતાઓ ઓક્સિજનના અભાવે સર્જાયેલી કટોકટીભરી સ્થિતિમાં જાે દર્દીઓના જીવ જશે તો એ માટે જવાબદારી કોની? એવા સવાલો દર્દીઓના સગાંઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.

ગઈકાલે પણ શહેરની આજવા રોડ પર આવેલ એક ખાનગી કેર હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વર્તાતાં રાતોરાત દર્દીઓને શિફટ કરવામાં આવ્યા હતા. શહેરમાં ઓક્સિજના અછતની આ સ્થિતિ રહી તો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થનાર દર્દીઓ માટે જીવનું જાેખમ રહેશે.

 અને તેમના સગાંઓ સારવારની અસલામતી અનુભવશે અને સરકારી હોસ્પિટલમાં દાખલ થવા દર્દીઓનું ભારણ વધશે એ નિશ્ચિત છે.

ઓક્સિજનની અછત પાછળ નબળી નેતાગીરી અને બેદરકાર વહીવટીતંત્ર જવાબદાર?

વડોદરા. ઓક્સિજનની અછત પાછળ શહેરની નપુંસક નેતાગીરી અને બેદરકાર વહીવટીતંત્ર જ જવાબદાર હોવાનું શહેરીજનો માની રહ્યા છે. રાજ્ય સરકાર પાસે ઓક્સિજનનો વધારે જથ્થો મેળવવા માટેની વડોદરાએ કરેલી માગ રાજ્ય સરકારે સ્વીકારી નથી. પરિણામે આ ગંભીર સ્થિતિનું નિર્માણ થશે એવી અગાઉથી આશંકા હોવા છતાં પાંગળી નેતાગીરી હાથ ઉપર હાથ ધરીને બેસી રહી છે. રાજ્ય સરકારે હાલમાં તાત્કાલિક ધોરણે રર ઓક્સિજનના પ્લાન્ટ નાખવાનું રાજ્યોમાં વિવિધ સ્થળે નક્કી કર્યું છે જેમાં વડોદરા બાકાત છે, છતાં કોઈ નેતા આગળ આવી વિરોધ નહીં કરતાં પ્રજામાં રોષ ફેલાયો છે.

ઓક્સિજનમાં રપ મેટ્રિક ટન ઘટ યથાવત્‌

વડોદરામાં ઓક્સિજની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે શહેરના માણેજા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનમાં ઘટ પડે તેવી સ્થીતિ વચ્ચે કેટલાક દર્દીઓને શિફટ કરવા પડયા હતા. વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલો માટે ૧૭૫ મેટ્રિક ટન ઓક્સિજની જરૂરિયાત સામે આજે પણ ૧૫૩ મે.ટન જેટલો જ પુરવઠો આવ્યો હોવાનું જાણવા મળે છે જેથી આજે પણ રપ મે.ટન જેટલા ઓક્સિજનની ઘટ પડી હતી. જેથી સ્ટેબલ દર્દીઓનો ઓક્સિજનો ફલો ઘટાડવાની, લીકેજીસ અટકાવવાની તેમજ કરકસરથી ઓક્સિજનની વપરાશની કવાયત હાથ ધરવામાં આવી છે.

રેમડેસિવિર ઈન્જેકશનોની ફાળવણીમાં

પણ વહાલાંદવલાંની નીતિ

રેમડેસિવિર ઈન્જેકશનોની ફાળણવીમાં પણ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા વહાલાંદવલાંની નીતિ અપનાવાતી હોવાનો સૂર ઊઠયો છે. મોડી રાત્રિએ જાહેર થયેલા આંકડા અનુસાર રેમડેસિવિર ઈન્જેકશનોની ફાળવણીમાં કોર્પોરેટ હોસ્પિટલોને વધુ અને નાની હોસ્પિટલોને માગ કરતાં પણ અડધાથી ઓછી માત્રામાં ઈન્જેકશનો ફાળવાયા હોવાનું બહાર આવતાં આવી અછતના કારણે જ ઈન્જેકશનોના કાળાબજાર થતાં હોવાનો છૂપો રોષી શહેરમાં વ્યાપ્યો છે.

ઓક્સિજનના અભાવે ગંભીર દર્દીઓના ટપોટપ મોત થશે એવી ગંભીર પરિસ્થિતિ

વડોદરા. કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. ત્યારે હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ માટે બેડ ખાલી નથી, વેન્ટિલેટરની અછત છે અને ઓક્સિજન પણ નથી. પરિણામે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓના મોત થાય એવી ભીતિ સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનનો જરૂરી પુરવઠો પણ નહીં અપાતાં નાની ખાનગી હોસ્પિટલના તબીબો લાચાર બન્યા છે અને માત્ર ઓક્સિજનની કમીના કારણે એમને અન્યત્ર ખસેડવા માટે દર્દીઓના સગાંઓને ફરજ પાડવામાં આવે છે.