નડિયાદ-

પેટલાદ ટાઉન પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૭ માં નોંધાયેલા એટ્રોસિટીના કેસમાં પેટલાદ કોર્ટ દ્વારા ઇસમને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. બાદમાં આ હુકમના વિરૂધ્ધમાં સરકાર પક્ષે હાઇકોર્ટમાં અપીલ ન કરવા અને અભિપ્રાય ન આપવા માટે પેટલાદ સેસન્સ કોર્ટના સરકારી વકીલ યજ્ઞેશ હરેશપ્રસાદ ઠાકરે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને રૂ.૮૦ હજારની લાંચની માંગણી કરી હતી.જેમાં પહેલાં ૪૦ હજાર અને અપીલ ન કરવાનો હુકમ આવ્યા બાદ બાકીના રૂ. ૪૦ હજાર ચૂકવવાની ડીલ થઇ હતી.

જેમાંથી રૂ.૫ હજાર ત્રણેક દિવસ પહેલાં ફરિયાદીએ યજ્ઞેશ ઠાકરને ચૂકવી દીધા હતા. બાદમાં લાંચની રકમ આપવી ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને પગલે ટીમે છટકું ગોઠવ્યું હતું અને લાંચની રકમ આપવા માટે યજ્ઞેશ ઠાકરનો સંપર્ક સાધ્યો હતો. સરકારી વકીલ યજ્ઞેશ ઠાકરે ફરિયાદીને લાંચના રૂ. ૩૫ હજાર લેવા માટે પેટલાદના સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર આવેલા ક્રિશીવ કોમ્પલેક્ષ ખાતે બોલાવ્યા હતા. જ્યાં ખેડા એસીબી પોલીસ ઇન્સપેક્ટર એમ.એફ.ચૌધરીએ પોતાની ટીમ સાથે લાંચની રકમ સ્વીકારતા સરકારી વકીલ યજ્ઞેશ ઠાકરને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. નડિયાદ એસીબીના ચોપડે સરકારી વકીલ લાંચ લેતાં પકડાયા હોય તેવો આ પ્રથમ કેસ હોવાની ચર્ચા છે. ટ્રેપ બાદ આ મામલાની તપાસ હવે આણંદ એસીબીને સોંપવામાં આવી છે.