ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃ નિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ તેમજ પંચતારક હોટેલના લોકાર્પણની સાથે ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ આપશે. વડાપ્રધાન આવતીકાલે બપોરે ૪ કલાકે ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન સહીત આઠ જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી ખાતેથી વચ્ર્યુઅલ લોકાર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા તે વેળા તેમણે ગુજરાતને દેશના સૌથી વિકસિત રાજ્ય તરીકે આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. તેમની આ સંકલ્પનાના ભાગરૂપે જ ગાંધીનગર ખાતે વૈશ્વિક સ્તરનું ‘મહાત્મા મંદિર કન્વેનશન સેન્ટર કોમ્પ્લેક્સ‘ સાકારિત થયું. સૌ સુપરિચિત છે જ કે, વડાપ્રધાનની પ્રેરણાથી મૂર્તરૂપ પામેલું ‘મહાત્મા મંદિર’ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સહિતની અનેકવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ, કોન્ફરન્સ, પ્રદર્શનો અને અવનવી સફળ ઇવેન્ટ્‌સનું સાક્ષી રહ્યું છે.

‘મહાત્મા મંદિર’ ખાતે નિયમિત રીતે યોજાતી દ્વિવાર્ષિક ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ’ બાદ તો આ સ્થળનું આકર્ષણ સૌના માટે અનેકગણું વધી ગયું. આ સ્થળ વિશ્વના અનેકાનેક દેશોના પ્રમુખો, વડાપ્રધાનો, સાંસદો, રાજદૂતો, ઉદ્યોગ સાહસિકો, વિજ્ઞાનીઓ અને શિક્ષણવિદો માટે મુખ્ય યજમાન સ્થળ બની ગયું છે.

મહાત્મા મંદિર, મેટ્રો રેલ, અમદાવાદ-ગાંધીનગરને જાેડતા છ-માર્ગીય ધોરીમાર્ગ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ગિફ્ટ-સીટી સહિતના સંખ્યાબંધ અત્યાધુનિક પ્રકલ્પોની માફક ‘મહાત્મા મંદિર’ની નજદીકમાં જ અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’માં ૩ પ્લેટફોર્મ્સનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં વૈશ્વિક કક્ષાના રેલવે-સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે ૩ પ્લેટફોર્મ પૈકી એક વન -એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય આઇલેન્ડ પ્લેફોર્મ છે. આ સ્ટેશન ખાતે ૨ એસ્કેલેટર્સ, ૩ એલિવેટર્સ અને ૨ પેડેસ્ટ્રીયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જાેડે છે. આ ઉપરાંત, અલગ અલગ સ્થળે આશરે ૩૦૦ વ્યક્તિઓ માટેનું પ્રતીક્ષા સ્થળ, સેન્ટ્રલી એર-કન્ડીશંડ મલ્ટિપર્પસ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ, ઑડિયો-વિડીયો, ન્ઈડ્ઢ સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસ્પ્લે એરિયા તથા ૧૦૫ મીટર લાબું કોલમ વગરનું એલ્યુમિનમની છત ધરાવતું સ્ટેશન છે.

વડાપ્રધાન આજે ગાંધીનગરથી વરેઠા મેમુ ટ્રેનનો વચ્ર્યુઅલ પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૬ જુલાઇ શુક્રવારના રોજ દિલ્લીથી વચ્ર્યુઅલ રેલગાડીનો ગાંધીનગરથી વરેઠાથી સાંજે ૪ કલાકે પ્રારંભ કરાવવાના છે. આ રેલગાડી ગાંધીનગર જિલ્લાના ત્રણ સ્ટેશનો હોલ્ટ કરી મહેસાણા જિલ્લામાં ઝુલાસણથી વરેઠા સુધીના તમામ ૧૨ સ્ટેશનો પર રેલગાડીનું સ્વાગત કરાશે. આ રેલગાડી ગાંધીનગર જિલ્લાના ત્રણ સ્ટેશનો હોલ્ટ કરી મહેસાણા જિલ્લામાં ઝુલાસણ ખાતે સાંજે ૧૭-૨૯ કલાકે પ્રવેશ કરનાર છે. આ રેલગાડી જિલ્લાના ઝુલાસણ ખાતે ૧ મિનિટ, ડાંગરવા ૧ મિનિટ, આંબલીયાસણ ૨ મિનિટ, જગુદણ ૨ મિનિટ, મહેસાણા શહેર ૫ મિનિટ, રંડાલા ૨ મિનિટ, પુદગામ-ગણેશપુરા ૨ મિનિટ, વિસનગર શહેર ૨ મિનિટ, ગુંજા ૨ મિનિટ, વડનગર શહેર ૭ મિનિટ, ખેરાલું શહેર ૨ મિનિટ અને વરેઠા ખાતે રેલગાડીનું છેલ્લું સ્ટોપેજ આપેલું છે.