પુત્રના લગ્ન દરમિયાન પોલીસકર્મી પિતાના મોતથી પરિવારમાં ગમગીની
08, ફેબ્રુઆરી 2022

વડોદરા, તા.૭

બાપોદ પોલીસ મથકે એએસઆઈ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ અધિકારી લગ્નપ્રસંગમાં એકાએક બેભાન બનતાં તેમને સારવાર માટે ગોરવા રોડ સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આકસ્મિક લગ્નપ્રસંગમાં દુઃખદ બનાવ બનતાં પોલીસબેડામાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી. પરિવાર પણ શોકમાં ડૂબી ગયો હતો. અલબત્ત, લગ્નપ્રસંગનો ઉત્સાહ ઓસરી ગયો હતો. તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

આ અંગે મળતી વિગત અનુસાર વાઘોડિયા રોડ વૃંદાવન ચોકડી પાસે આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં રહેતા જયંતીભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉં.વ.પ૬) શહેરના બાપોદ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા હતા. આ અગાઉ તેઓ વાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. તેમના પુત્ર યુવરાજસિંહના લગ્ન હોવાથી પુત્રની જાન આજે બપોરે ગોરવા રોડ સ્થિત પાર્ટી પ્લોટમાં પુત્રના લગ્નની લગ્નવિધિ ચાલી રહી હતી તે સમયે એએસઆઈ જયંતીભાઈને અચાનક દુઃખાવો થવાથી બેભાન બની ગયા હતા, જેથી તેમને સારવાર માટે ગોરવા રોડ સ્થિત ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. તેમને લઈને હોસ્પિટલમાં આવેલા સગાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને વિકટ સ્થિતિમાં મુકાઈ ગયા હતા. જાે કે, લગ્નવિધિ પૂર્ણ થાય ત્યાં સુધી તેમના મૃતદેહને સગાસંબંધીઓ દ્વારા ગોરવા પોલીસની મદદથી સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ બાદ કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. આ બનાવે લગ્નપ્રસંગનો ઉત્સાહ ઓસરી જવા સાથે ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી.

એએસઆઈનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ લગ્નવિધિ પૂર્ણ થયા બાદ અંતિમક્રિયા કરાશે

બાપોદ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા જયંતીભાઈ ગોવિંદભાઈ પરમારનું પુત્રના લગ્નપ્રસંગ દરમિયાન જ મોત થતાં તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો છે. તેમનો કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવતાં જે નેગેટિવ આવ્યો હતો. આવતીકાલે તેમના પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ લગ્નની સામાજિક વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવનાર હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળ્યંુ છે. એએસઆઈની અંતિમક્રિયા ગાર્ડ ઓફ ઓર્નર સન્માન સાથે કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution