જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ધારાસભ્યના પુત્ર અને ભાઈ પર હુમલો કરનારા આરોપીઓ ઝડપાઈ ગયા છે. પોલીસે નવ અસામાજિક તત્વોને ઝડપી પાડી ઘટનાસ્થળે લઈ ગઈ હતી. જ્યાં આરોપીઓને સાથે રાખી બનાવનું રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું. રિકંસ્ટ્રક્શનને લઈ આરોપીઓને જાેવા મોટી સંખ્યામાં ટોળાં એકઠાં થયા હતાં. મહત્વનું છે કે, આ બનાવને લીધે વિસાવદરમાં અસામાજિક તત્વો સામે ભારોભાર રોષ હતો. જેથી આ મામલે રાજકીય પક્ષોએ તથા વેપારીઓ સાથે મળીને ન્યાય માટે રેલી કાઢી હતી. હવે આ ઝડપાયેલા તમામ આરોપીઓના રિમાન્ડની માંગ સાથે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વિસાવદરના ધારાસભ્યના પરિવારજનો પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. હર્ષદ રીબડીયાના પિતરાઇ ભાઇ આ હુમલામાં ઘાયલ થયા હતાં. તલવારો સહીતના હથિયારો વડે લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલાના વિરોધમાં વિસાવદરમાં અચોક્કસ મુદત સુધી બંધનું એલાન અપાયું હતું. ખંડણી ઉઘરાવતા લુખ્ખા તત્વોને ટપારતા આ હુમલાનો બનાવ બન્યો હોવાની ચર્ચા વહેતી થઇ હતી. આ હુમલા બાદ તમામ રાજકીય પક્ષોએ એક થઈને બંધનું એલાન આપ્યું હતું. આ હુમલાના વિરોધમાં ધારાસભ્ય સહિતના લોકો રાત્રે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. વિસાવદરમાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાના ભાઇ પર હુમલાના વિરોધમાં ગામમાં રેલી નીકાળાઇ હતી.