પોલીસે આરોપીના ઘરની તલાશી લેતાં લોહીથી લથપથ ટી-શર્ટ અને પિસ્તોલ મળી આવી
12, માર્ચ 2021

આણંદ : આણંદ શહેરના ગણેશ ચોકડી નજીક આવેલાં મંગળપુરા ખાતે બે દિવસ પહેલાં એક નિર્દોષ માલધારી યુવકની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે ઝડપાયેલાં ફરહાન મેમણ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મલી આવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે આણંદ પોલીસે અલગથી આર્મ્સ એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદની ગણેશ ચોકડી પાસે ચકચારી માલધારી યુવકની હત્યાના કેસમાં હત્યા, હત્યાના પ્રયાસ અને બાઇક લૂંટના ગુનામાં ઝડપાયેલાં આરોપી ફરહાન ઉસ્માન મેમણના રોશન પ્લાઝાની બાજુમાં આવેલાં જી. કે. દેવની ચાલી સ્થિત ઘરની ગઈકાલે આણંદ પોલીસ દ્વારા ઝડતી કરી તપાસ હાથ ધરતાં એક રૂમના કબાટમાંથી હત્યા સમયે ફરહાને પહેરેલી ટી-શર્ટ લોહીથી ખરડાયેલ હાલતમાં મળી આવી હતી. આ ઉપરાંત સ્થળની ઝીણવટભરી તપાસ કરતાં એક પ્લાસ્ટિકથી વીંટાળેલી થેલી શંકાસ્પદ હાલતમાં જણાતાં થેલીને ખોલીને જાેતાં દેશી બનાવટની પિસ્તોલ મળી હતી. આ જાેઈને પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસે પિસ્તોલ રાખવા અંગે ફરહાન મેમણ પાસે લાયસન્સની માગણી કરતાં તેની પાસે હતું નહીં, જેથી પિસ્તોલ ગેરકાયદે રાખતો હોવાનું ખુલ્લું પડી ગયું હતું. પોલીસે પિસ્તોલ કબજે લઈને ફરહાનની વધુ પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે, છ મહિના પહેલાં હાડગુડ તાબે જહાંગીરપુરા ખાતે રહેતાં મોઈનખાન ઐયુબખાન પઠાણ પાસેથી ૮૫૦૦ રૂપિયામાં આ પિસ્તોલ વેચાતી લીધી હતી. આણંદમાં આ પ્રકારની વૃત્તિ-પ્રવૃત્તિ કરતા આવા તત્વો જાહેર સમાજ માટે જાેખમી પુરવાર થઇ શકે છે. જાેકે, આણંદ પોલીસે આ બાબતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

હવે પોલીસે નવી દિશામાં તપાસ શરૂ કરી!

ફરહાન દ્વારા આ પિસ્તોલ બતાવી કોઈ ગુનાહિત કાર્ય કર્યું છે કે કેમ? અને તેને આ પિસ્તોલ લેવાની જરૂર શા માટે પડી? જેવાં વણઉકેલ્યા પ્રશ્નોની ઊંડી તપાસ કરવા માટે પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution