દેવગઢબારિયા, દાહોદ જિલ્લાની બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ સરસ્વતિ સર્કલ પાસે રૂ. ૧૬૧.૦૯ લાખના ખર્ચથી નવ નિર્મિત ટાઉન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને દાહોદ રૂરલ પોલીસના જવાનો માટે રૂ. ૩૦૫૮.૧૩ લાખના ખર્ચથી બનનારા સ્ટાફ ક્વાર્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે આ પ્રસંગે કહ્યું કે, ટેક્નોલોજીના સમન્વયથી પોલીસ ગુનાખોરીને ડામવા માટે આગેકદમ કરી રહી છે. આગામી દિવસોમાં પૂરવાનું સક્ષમ દસ્તાવેજીકરણ કરવા ૧૦ હજાર જવાનોને બોડીવોર્ન કેમેરા આપવામાં આવશે. વિદેશમાં જે રીતે પોલીસ પોતાના ગણવેશ ઉપર નાના કેમેરા પહેરીને કામ કરે છે, એ રીતે નજીકના ભવિષ્યમાં ગુજરાત પોલીસ પણ કામ કરતી થશે. 

અહીંના સ્વામિ વિવેકાનંદ સભાગૃહમાં યોજાયેલી એક નાની સભામાં શ્રી જાડેજાએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિની માહિતી આપતા કહ્યું કે, વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પોલીસ તંત્રના આધુનિકીકરણ માટે ત્રિસ્તરીય નીતિ અપનાવી હતી. તેમણે ગુનામાં મળેલા પૂરાવાનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ થાય તે માટે ફોરેન્સિક લેબને મજબૂત બનાવી અને ગુજરાતમાં શ્રેષ્ઠતમ ફોરેન્સીક લેબ બનાવી. એ જ રીતે પોલીસ તંત્રની કુશળ માનવ સંસધાન મળી રહે તે માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. એ જ રીતે ગુનેગારોનું કન્વિક્શન થાય એ માટે સારા કાયદા નિષ્ણાંતો મળી રહે તે હેતુંથી લો યુનિવર્સિટી પણ બનાવી છે.