આણંદ : રાજ્યની નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી-૨૦૨૧નું તા.૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાને લેતાં આણંદ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા-તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ મતદાન મથકોને સેનિટાઇઝ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મતદારો વચ્‍ચે સોશિયલ ડિસ્‍ટન્સિંગ જળવાઇ રહે તે માટે દરેક મતદાન મથકોએ ગોળ કુંડાળા દોરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત ૧૦૦ મીટર અને ર૦૦ મીટરની ત્રિજ્યા દર્શાવતી લાઇનો પણ દોરવામાં આવી છે ત્‍યારે મતદારો મતદાન આપવા જાય ત્‍યારે કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરી સોશિયલ ડિસ્‍ટન્સિંગ જાળવી રાખી વહીવટી તંત્રને સહયોગ આપે તેવી વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મતદાતા મતદાન કરવા જાય ત્‍યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાન મથકે જતાં મતદારો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જવાબદાર નાગરિક અને મતદાતા તરીકે મતદાન સમયે આપણે સૌએ આટલું તો અવશ્‍ય ધ્‍યાનમાં રાખવું જાેઇએ.

સ્થાનિક  સ્વરાજયની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ શરૂ કરાયાં

નડિયાદ : તા.ર૮ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ નડિયાદ જિલ્લાની કુલ ૮ તાલુકા પંચાયતો (નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, વસો, ગળતેશ્વર)ની સામાન્ય ચૂંટણી તેમજ કુલ પ નગરપાલિકાઓ (નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા)ની સામાન્ય ચૂંટણી યોજાવવાની છે. જેને અનુલક્ષીને ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી દરમિયાન અરજદારો અને ઉમેદવારો તરફથી કરવામાં આવતી રજૂઆતો તથા ફરિયાદોના ઝડપી નિકાલ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમનો ટેલીફોન નંબર-૦ર૬૮-રપપ૩૩પ૭ છે.