અમદાવાદ, બજેટસત્રના ત્રીજા દિવસે સુચારૂ રીતે ચાલી રહેલી ગૃહની કાર્યવાહી શોરબકોર અને આરોપ પ્રત્યારોપમાં ફેરવાઇ ગઇ હતી. પશુપાલન અંગેની પ્રશ્નોત્તરી દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાના પશુ ચિકિત્સકોની ખાલી પડેલી જગ્યાઓ અને પશુ દવાખાનામાં લાગેલા તાળાંઓ અંગેના પ્રશ્નની ચર્ચા દરમિયાન કોંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પશુપાલન મંત્રી રાઘવજી પટેલને આ અંગેની વિગતો માંગી હતી જાેકે અધ્યક્ષ નિમાબેન આચાર્યએઆ મુદ્દે અલગ નોટિસ આપવાનું ધારાસભ્યને કહેતાં મામલો ઉગ્ર બની ગયો હતો. તેમજ આ મામલે ધારાસભ્ય નૌશાદ સોલંકી ડેસ્ક પરથી ઉતરીને નીચે બેસી ગયાં હતા. સમગ્ર મામલે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વ્ચચે ઉગ્ર બોલાચાલી થઇ હતી જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચારણો કરતા મામલો બિચક્યો હતો અને કોંગ્રસના સિનિયર ધારાસભ્ય પૂજા વંશે રાજ્યના ગૃહમંત્રી અંગે બિનસંસદીય શબ્દ પ્રયોગ કરતાં ગૃહમાં શોરબકોર અને હોબાળાનો દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસના ધારાસભ્યો પોતાની પાટલીઓ ઉપરથી નીચે ધસી આવ્યા હતા અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પૂજા વંશ તેમજ તમામ કોંગ્રેસના ધારાસભ્યો તેમજ ભાજપના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

સિનિયર સભ્યો ગેરવર્તન કરે તે દુઃખદ સંઘવી

હર્ષ સંઘવીએ કહ્યું કે પૂજા વંશ જેવા સિનિયર સભ્યો પાસેથી અમારા જેવા નવા સભ્યોએ શિખવાનું હોય છે તેને બદલે તેઓ જ આ રીતે બિનસંસદીય ભાષાના પ્રયોગ કરે છે તે દુખદ છે જાેકે આ તમામ બાબતો વચ્ચે તેમણે પણ પૂજા વંશને સસ્પેન્ડ કરવાની વાતને દોહરાવી હતી. આ ઉપરાંત તેમણે મિડીયા સાથે વાતચિત કરતાં કહ્યું હતુંકે કોંગ્રેસ દ્વારા પોલીસનું મોરલ તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે તેમજ જે રીતે દારુ અને ડ્રગ્સ મોટા પ્રમાણમાં પકડાઇ રહ્યાં છે તે જાેતા પોલીસ આ મામલે વધુ આક્રમક બની છે ત્યારે કોંગ્રેસ દ્વારા આવા મુદ્દાઓ ઉઠાવીને પોલીસની કામગીર સામે સવાલો ઉભા કરાઇ રહ્યાં છે. તેમણ કહ્યું હતું કે ગૃહમાં જ્યારે મંત્રીઓને સવાલ કરવામાં આવે છે અને જ્યારે તેઓ તેના જવાબો આપતાં હોય છે ત્યારે વિક્ષેપ પાડીને તેમને બોલવા દેવામાં આવતાં નથી .

મુખ્યમંત્રી અને શૈલેષ પરમાર વચ્ચે શાબ્દિક ટપાટપી

સમગ્ર પ્રકરણમાં ધારાસભ્ય શૈલેષ પરમારે વોક આઉટ કરતાં પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતુંકે તમારી હાજરીમાં આવુ થાય છે ત્યારે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતુંકે જે વ્યક્તિ અંગે આટલો હોબાળો થઇ રહ્યો છેતે જ ગૃહમાં ઉપસ્થિત નથી. જેને માટે તમે ન્યાય માંગો છે તે જ હાજર નથી તેવો મુખ્યમંત્રીએ જવાબ આપ્યો હતો.

સરકારે કબૂલ્યુ કે ૧૦૩.૮૦ કરોડ ચોરસ મીટર જમીન ભાડે અથવા વેચાણથી અપાઈ

ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે કબૂલ્યુ છે કે છેલ્લા બે વર્ષમાં ૧૦૩.૮૦ કરોડ ચોરસ મીટર ખરાબા અને ગૌચરની જમીન ભાડે અથવા વેચાણથી અપાઈ છે.રાજ્યમાં બે વર્ષમાં ૧૦૩ કરોડ ૮૦ લાખ ૭૩ હજાર ૧૮૩ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબાની અને ગૌચરની જમીન ભાડે કે વેચાણથી અપાઇ છે. સૌથી વધારે જમીન કચ્‍છ જીલ્‍લામાં ૯૫ કરોડ ૬૫ લાખ ૩૧ હજાર ૨૧૬ ચો.મી. જમીન ભાડે અથવા વેચાણથી આપવામાં આવી છે. રાજ્યમાં ગરીબોને આપવા ૫૦-૧૦૦ ચો.મી.ના પ્‍લોટ આપવા જમીન નથી પણ ઉદ્યોગોને દૈનિક ૧૪ લાખ ૨૨ હજાર ૦૧૮ ચો.મી. જમીનની લ્‍હાણી કરવામાં આવે છે. રાજ્યમાં જમીન માપણીમાં ખેડૂતોની જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર હતા. તેની ત્રૂટીઓ દૂર કર્યા વિના પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ખેતીની જમીનોની પુનઃ માપણી કરાવીને પ્રમોલેશન થયા પછી થયા પછી પણ ખેડૂતોની જમીનોની માપણીમાં ક્ષતિઓ સુધારવા માટે ૧ લાખ ૬૭ હજાર ૬૬૪ અરજીઓ મળી છે તે પૈકી ૭૬ હજાર ૭૭૮ અરજીઓનો નિકાલ કરવાનો પણ બાકી છે.

લઘુમતીઓ સાથે અન્યાય ગ્યાસુદ્દીન

ધારાસભ્ય ગ્યાસુદિન શેખ ધ્વારા વિધાનસભાની પ્રશ્નોતરી કાળમાં પૂછેલા સવાલના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે તેઓ ધ્વારા વકફ બોર્ડને કોઈ નાણાકીય સહાય આપવામાં આવેલ નથી. ધારાસભ્યશ્રી પ્રશ્ન પૂછ્યો હતો કે તારીખ ૩૧-૧૨-૨૦૨૧ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર વકફ બોર્ડને રાજ્ય સરકારે કેટલી રકમ ફાળવી અને આ રકમ પૈકી કયા હેતુસર રકમનો ખર્ચ કરવામાં આવ્યો અને કેટલી રકમ કયા કારણોસર વણવપરાયેલી રહી. આ પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો કે કોઈ રકમ ફાળવવામાં આવેલ નથી જેથી પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વકફના કાયદા હેઠળ રાજ્ય સરકાર ગેઝેટમાં જાહેરનામાં ધ્વારા રાજ્ય વકફ બોર્ડની સ્થાપન કરે છે અને વકફના કાયદા મુજબ વકફ બૉર્ડ વકફ સંસ્થાઑ માટે બજાવેલી સેવાઓ માટે વકફને થયેલ કુલ વાર્ષિક આવકના ૭ % જટલો ફાળો વકફ સંસ્થાઑએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડને આપવાનો હોય છે તેમજ વકફના કાયદા નીચે રચાયેલ વકફ ફંડ હોય છે એટલે વકફ બોર્ડને મળેલ દાન, લાભ અથવ ગ્રાન્ટ રચાય છે.