ધર્મગ્રંથોમાં તેને પોષ પર્વ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં પોષ પૂર્ણિમાના દિવસે તીર્થ સ્નાન અને દાન સાથે જ સૂર્ય દેવને અર્ઘ્ય આપવાનું વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવે છે. વિદ્વાનો પ્રમાણે આ મહિને સૂર્યદેવની આરાધનાથી મોક્ષ મળે છે. એટલે આ પોષ મહિનાની પૂર્ણિમા તિથિએ પવિત્ર નદીમાં સ્નાન પછી સૂર્યદેવને અર્ઘ્ય આપવાની પરંપરા છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજનની વસ્તુઓ અને ઊનના કપડાનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઇ જાય છે.
તીર્થ સ્નાન અને સૂર્ય-ચંદ્ર પૂજા.
પોષ મહિનાની પૂનમના દિવસે સ્નાન, દાન અને વ્રત કરવાથી પુણ્ય અને મોક્ષ મળે છે. વિદ્વાનો પ્રમાણે આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંનેની પૂજા કરવાનું વિધાન છે. સવારે સૂર્યોદય સમયે સૂર્યને અર્ઘ્ય આપવું શુભ માનવામાં આવે છે. જ્યારે સાંજે ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય આપીને પૂજા કરી વ્રત ખોલવામાં આવે છે.
સૂર્ય પૂજા.
આ પર્વ પોષ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે હોય છે. પોષ મહિનાના દેવતા સૂર્ય છે. એટલે આ મહિનામાં સવારે જલ્દી જાગીને ભગવાન સૂર્યને જળ ચઢાવવામાં આવે છે. ઉત્તરાયણ હોવાથી આ દિવસોમાં સૂર્યને અર્ઘ્ય આપવાથી ઉંમર વધે છે અને બીમારીઓ દૂર થાય છે.
ચંદ્ર પૂજા.
આ પૂર્ણિમા સૂર્યના ઉત્તરાયણ થયા પછી પહેલી હોય છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ઉત્તરાયણ પછી પહેલી પૂર્ણિમાએ ચંદ્રની 16 કળાઓથી અમૃત વર્ષા તો થાય છે, સાથે જ આ દિવસે ચંદ્રને આપેલું અર્ઘ્ય પિતૃઓ સુધી પહોંચે છે. જેનાથી પિતૃ સંતુષ્ટ થાય છે. પોષ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની જ રાશિ એટલે કર્કમાં હોય છે. એટલે તેનો પ્રભાવ વધી જાય છે. વિદ્વાનો પ્રમાણે નિરોગી રહેવા માટે આ દિવસે ઔષધીઓને ચંદ્રના પ્રકાશમાં રાખીને બીજા દિવસે સવારે સેવન કરવું જોઇએ. આવું કરવાથી બીમારીઓમાં રાહત મળે છે.
નદીઓમાં સ્નાનનું મહત્ત્વ.
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પોષ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. સાથે જ અનેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. જેથી આ દિવસે તીર્થમા લોકો ભેગા થાય છે. પરંતુ વિદ્વાનો પ્રમાણે મહામારીના કારણે ઘરના પાણીમાં જ ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળે છે. આ દિવસે ઇલાહબાદમાં સંગમ સિવાય હરિદ્વાર અને ગંગાસાગરમાં ડુબકી લગાવવાથી ખૂબ જ પુણ્ય મળે છે.
Loading ...