19, સપ્ટેમ્બર 2025
કેલિફોર્નિયા |
3267 |
વંશભેદ અને નોકરીની મુશ્કેલી અંગે કરી હતી ફરિયાદ
અમેરિકાના કેલિફોર્નિયામાં પોલીસે એક ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતકની ઓળખ મોહમ્મદ નિઝામુદ્દીન તરીકે થઈ છે, તેણે રૂમમેટ સાથે વિવાદ થયો હોવાનું કહેવાય છે. તેલંગાણાના નિઝામુદ્દીનના પરિવારે તેમના મૃતદેહને મેળવવામાં મદદ માટે વિદેશ મંત્રાલયને અપીલ કરી છે. અગાઉ મૃતક મોહમ્મદ નિઝામુદ્દીને જાહેરમાં વંશભેદ અને નોકરીની મુશ્કેલીઓ અંગે ફરિયાદ કરી હતી.
મળતી વિગતો મુજબ મોહમ્મદ નિઝામુદ્દીને ફ્લોરિડામાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે કેલિફોર્નિયાની એક કંપનીમાં કામ કર્યું, પરંતુ ત્યારબાદ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. લિંક્ડઇન પરની એક પોસ્ટમાં મોહમ્મદ નિઝામુદ્દીને આરોપ લગાવ્યો કે તેને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને તેમના પગારમાંથી છેતરપિંડી કરવામાં આવી હતી. વધુમાં, નિઝામુદ્દીને વંશભેદ વિશે એક પોસ્ટ પણ શેર કરી હતી.
અમેરિકાની પોલીસે મોહમ્મદ નિઝામુદ્દીનને ચાર ગોળી મારી હતી. સાન્ટા ક્લેરા પોલીસના જણાવ્યાનુસાર, છરાબાજી અંગે 911 પર ફોન આવ્યો હતો. પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. જ્યા એક માણસ છરી લઈને ઊભો હતો. જ્યારે તેણે સરેન્ડર કરવાનો ઈનકાર કર્યો, ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી. તે માણસનો રૂમમેટ નીચે પડેલો હતો અને તેને ઘણી ઈજાઓ થઈ હતી. આ ઘટના ત્રીજી સપ્ટેમ્બરના રોજ બની હતી.