19, સપ્ટેમ્બર 2025
દહેરાદુન |
2574 |
6 લોકો હજુ ગુમ, કાટમાળ નીચે અનેક ફસાયા હોવાની આશંકા છે.
ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના બાદ સ્થિતિ હજુ ખરાબ છે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના રિપોર્ટ મુજબ, આ ઘટનાઓમાં આશરે 45 ઘરો અને 15 ગાયોના વાડા નાશ પામ્યા હતા. અહેવાલ મુજબ, કુંત્રી લગા ફાલીમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ધુરમા ગામમાં એક વ્યક્તિને જીવતા બચાવી લેવામાં આવ્યો હતો.
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ ઘટનાઓમાં 12 લોકો ઘાયલ પણ થયા હતા, જેમાં કાટમાળમાંથી જીવતા બચાવી લેવામાં આવેલા લોકોનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઋષિકેશમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માં દાખલ કરવામાં આવ્યા છે.
SEOC રિપોર્ટમાં જણાવાયું છે કે કુંત્રી લગા ફાલી અને કુંત્રી લગા સરપાની ગામોમાંથી એક-એક મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કાટમાળમાં ગુમ થયેલા અન્ય છ લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.
ગયા મહિનાના અંતથી, નંદનગરનો કુંત્રી વિસ્તાર ભૂસ્ખલન અને ઘરોમાં તિરાડોનો સામનો કરી રહ્યો છે. લગભગ 16 ઘરો જોખમમાં છે, જેના કારણે 64 રહેવાસીઓને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.