03, જાન્યુઆરી 2021
ગાંધીનગર, ગુજરાતમાં સાયક્લોનિક સક્ર્યુલેશન સિસ્ટમની અસરનો માર સહન કરવા માટે ફરી એકવાર તૈયાર રહેવું પડશે. એક સાથે ૨ સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવી ગયો છે, જેના કારણે આજે અને કાલે અનેક જિલ્લામાં માવઠાંની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગનું માનીએ તો અમદાવાદ, પંચમહાલ, દાહોદમાં માવઠાંની શક્યતા છે, આ સિવાય મહિસાગર અને અરવલ્લીમાં પણ માવઠું પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ૨થી ૪ જાન્યુઆરીએ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ શકે છે. જે આ ટ્રફને વધુ મજબૂત બનાવતાં રાજ્યના અનેક જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.
૨ જાન્યુઆરીના રોજ સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, મહીસાગર, અરવલ્લી, દાહોદમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે ૩ જાન્યુઆરીના રોજ પંચમહાલ, વડોદરા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવો વરસાદ પડે તેની સંભાવના છે. તમને જણાવી દઈએ કે શુક્રવારની સાંજથી જ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે. તાપમાનમાં વધારો થતા ઠંડીમાં આંશિક રાહત મળી છે. પરંતુ સાયક્લોનિક સક્ર્યુલેશન સિસ્ટમ મોટી ઉથલપાથલ કરી શકે છે. નલિયામાં હજી પણ ૭.૨ ડિગ્રી તાપમાન છે. ૨૪ કલાક ઠંડીનુ પ્રમાણ થોડું ઓછું રહેશે. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૧૫ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન રહે તેની સંભાવના છે.