21, એપ્રીલ 2022
અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બારણે ટકોરા મારી રહી છે ત્યારે વિવિધ પક્ષોએ ચૂંટણી લક્ષી પોસ્ટરો જાહેર મિલકતો ની દિવાલ ઉપર લગાવવાના શરૂ કરી દેતા પોસ્ટર યુદ્ધના મંડાણ શરૂ થઈ ગયા છે. શહેરના બ્રિજ, દિવાલો, મેટ્રો બ્રિજના પિલ્લરો સહિતના જાહેર સ્થળો પર રાજકીય પક્ષોના પોસ્ટરો લાગી ગયા છે. જેના કારણે જાહેર મિલકતો ગંદી થઇ રહી છે. શહેરની જાહેર મિલકતોને રાજકીય પક્ષોના પ્રચારનો અખાડો બનતી અટકાવવા માટે રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરાઇ છે. સારંગપુર બ્રિજ પર રાજકીય પક્ષોના પોસ્ટરો લાગી ગયા છે. આ સિવાયના તમામ જાહેર સ્થળો પર રાજકીય પક્ષોની પ્રચાર સામગ્રી જાેવા મળી રહી છે. જાહેર મિલકતોને ગંદી કરવી તે યોગ્ય નથી. પૂર્વ અમદાવાદમાં અત્યારથી જ ચૂંટણીને લઇને જુદાજુદા સ્તરે તૈયારીઓ ચાલી રહી છે. શહેરીજનોના જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટરે આદર્શ આચાર સંહિતાનો અમલ કરાવવો જાેઇએ. શહેરમાં કોઇપણ જાહેર સ્થળો રાજકીય પક્ષોના પોસ્ટરો, જાહેર મિલકત કે દિવાલો પર ન ચોંટાડવામાં આવે તેનું ધ્યાન રાખવું જાેઇએ. ચોંટાડેલા પોસ્ટરો તાત્કાલિક ધોરણે નીકળી દેવા જાેઇએ.
ભાજપ સરકાર તાયફા કરીને નાણા વેડફી રહી હોવાનો કોંગ્રેસનો આરોપ
અમદાવાદ દાહોદ ખાતે સરકારી તિજાેરીના પ્રજાના પરસેવાના ટેક્ષના કરોડો રૂપિયાના ખર્ચે ઊત્સવો તાયફા કરનાર ભાજપા આદિવાસી સમાજના લાખો પરિવારને શિક્ષણ, આરોગ્ય, ઓળખ, રોજગાર સહિત જીવન જીવવાના અધિકારથી વંચિત રાખી રહી હોવાના આક્ષેપ કરતા કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે, એસ.ટી.ની ૮૦૦૦ જેટલી બસોની ૪૦,૦૦૦ જેટલી ટ્રીપોમાંથી દાહોદ ખાતેના ભાજપાના પ્રચાર કાર્યક્રમ માટે ૨,૮૦૦ બસો રાતોરાત ફાળવી દેવાઈ એટલે કે રાજ્યની કુલ એસ.ટી. બસોની ૩૦ ટકા બસો ફાળવતા રાજ્યના ગ્રામ્ય વિસ્તારની ૧૦,૦૦૦ જેટલી ટ્રીપો રદ કરી દેવાઈ. કહેવાતા વિકાસના પ્રચાર કાર્યક્રમથી ધોમધખતા તાપમાં ગ્રામ્ય વિસ્તારના હજારો મુસાફરોની હાલાકીમાં ભાજપ સરકારે પારાવાર ઉમેરો કર્યો છે.