અરવલ્લી, તા.૫ 

સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજી મંદિરના દ્વાર ખુલ્લાં રહેતા દીવ-દાદરા નગર હવેલીના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ સહિત ભક્તોએ ભગવાન શામળિયાના દર્શનનો લાભ લીધો હતો. જિલ્લામાં કેટલાક અત્યાધુનિક ગુરુઓએ ફેસબુક લાઈવ થઇ ભક્તોને દર્શન આપ્યા હતા. શામળાજી મંદિરમાં પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. જોકે કોરોના મહામારીના કારણે ક્યાંકને ક્યાંક ભક્તોની દર પૂર્ણિમા કરતા પાંખી હાજરી જોવા મળી હતી માસ્ક પહેરેલા શ્રદ્‌ધાળુઓને સૅનેટાઇઝ પછી થર્મલ સ્ક્રીનિંગ કર્યા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શામળાજી મંદિર ટ્રસ્ટે મંદિરના ગર્ભગૃહમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેની તકેદારી રાખી હતી શામળાજી મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાનો અભિષેક કરી ષોડષોપચાર વડે પૂજન કરાયું હતું.ભક્તોએ પણ શામળિયાને પોતાના ગુરુ માની કોરોના મહામારી સામે સર્વેનું રક્ષણ કરે એવી પ્રાર્થના કરી હતી. જિલ્લામાં મોટા ભાગના નાના મોટા આશ્રમોમાં આ વર્ષે ગુરુપૂર્ણિમાના ઉત્સવો રદ કરાયા હતા.