વડાપ્રધાન મોદી પ્રતિદિન પોતાના પ્રચાર પાછળ 2 કરોડનો ખર્ચ કરે છે
02, નવેમ્બર 2020

દિલ્હી-

નરેન્દ્ર મોદી સરકારે ગત વર્ષે પોતાના પ્રચાર પાછળ પ્રતિદિન લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આરટીઆઇ અંતર્ગત મળેલી જાણકારી અનુસાર, મોદી સરકારે ગત નાણાંકીય વર્ષમાં ન્યૂઝ પેપર, ઈલેક્ટ્રોનિક મીડિયા અને હૉર્ડિંગ્સ વગેરેમાં જાહેર ખબરોના માધ્યમથી ટેક્સ પેયર્સના લગભગ 713.20 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં છે.

મોદી સરકાર તરફથી આ રકમ ખુદના પ્રચાર પાછળ ખર્ચ કરવામાં આવી છે. મુંબઈમાં રહેતા આરટીઆઇ એક્ટિવિસ્ટ જતિન દેસાઈએ આરટીઆઇ હેઠળ આ સંદર્ભે જાણકારી માંગી હતી. આ આરટીઆઇના જવાબમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયના અંતર્ગત બ્યૂરો ઑફ આઉટરિચ એન્ડ કૉમ્યુનિકેશને જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા 2019-20ની વચ્ચે જાહેર ખબરો પર પ્રતિદિન સરેરાશ 1.95 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં હતા.

જણાવી દઈએ કે, ગત નાણાંકીય વર્ષ દરમિયાન જ લોકસભા ચૂંટણી સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પણ સંપન્ન થઈ હતી. 713 કરોડ રૂપિયામાં ઈલેક્ટ્રોનિક મીડિયા પાછળ 317.05 કરોડ રૂપિયા, પ્રિન્ટ મીડિયા પાછળ ૨૯૫.૦૫ કરોડ રૂપિયા અને આઉટડોર મીડિયા મારફતે 101.10 કરોડ રૂપિયાની જાહેરખબર ખર્ચ સામેલ હતો.

જાે કે આરટીઆઇમાં એ નથી જણાવવામાં આવ્યું કે, મોદી સરકાર તરફથી વિદેશી મીડિયામાં પ્રચાર પાછળ કેટલી રકમ ખર્ચ કરવામાં આવી. અગાઉ જૂન 2019માં મુંબઈમાં રહેતા અનિલ ગલગલી તરફથી દાખલ એક અન્ય RTIના જવાબમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, તેણે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, આઉટડોર મીડિયા અને પ્રિન્ટ પ્રચાર પાછળ ટેક્સ પેયર્સના 3,767.26 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં હતા.

જ્યારે એક વર્ષ પહેલા મે-2018માં મંત્રાલય દ્વારા ગલગલીની અન્ય એક આરટીઆઇના જવાબમાં મોદી સરકાર તરફથી પ્રચાર પાછળ ખર્ચની જાણકારી સામે આવી હતી. જેમાં જણાવાયું હતું કે, મોદી સરકારે જૂન-2014માં ભાજપ સરકારના સત્તા સંભાળ્યા બાદથી મીડિયામાં જાહેરખબર અને પ્રચાર પાછળ 4,343.26 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution