અરવલ્લી -

અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે અરવલ્લી જિલ્લા પૂરવઠા વિભાગે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ અલગ અલગ પાકનુ ટેકાના ભાવે  ખરીદ કરતા કેન્દ્રો છે. આ ખરીદ કેન્દ્રો પર ખેડૂતો તેમનો પાક વેચવા આવતા હોય છે. ક્યારેક ભારે ભીડ પણ સર્જાતી હોય છે અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતો રહ્યો છે.

કોરોનાની વર્તમાન સ્થિતિમાં અરવલ્લીમાં કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે જિલ્લા પૂરવઠા વિભાગે, આગામી દશ દિવસ સુધી તમામ ખરીદ કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાણ ખરીદ કેન્દ્રો મારફતે ખેડૂતો અને વેપારીઓને આપી દેવા તાકીદ કરી છે. નાફેડના કેન્દ્રોને પણ 20મી એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

અરવલ્લી જિલ્લાના પૂરવઠા વિભાગના અલગ અલગ કર્મચારીઓ અને અધિકારીઓ પણ કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા છે. જેના કારણે જિલ્લા પૂરવઠા અધિકારીએ, પત્ર લખીને ટેકાના ભાવે ખરીદી કરતા ખરીદ કેન્દ્રો આગામી 30મી એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. જિલ્લા પૂરવઠા અધિકારીના આ નિર્ણયને કારણે ટેકાના ભાવે પાક વેચવા આવતા ખેડૂતોનો કોરોનાના સંક્રમણથી બચાવ થશે.