ડાંગ-

ડાંગ જિલ્લામાંથી એક માત્ર નેશનલ હાઈ વે નંબર ૯૫૩ પસાર થાય છે. સોનગઢ થી સાપુતારા સુધીના આ માર્ગની કુલ ૧૦૫ કિલોમીટરની લંબાઈ પૈકી ૮૨.૨ કિલોમીટરનો આ નેશનલ હાઈ વે ડાંગ જિલ્લામાથી પસાર થાય છે. જે બરડીપાડા થી લશ્કરિયા, આહવા, શામગહાન થઈ ગિરિમથક સાપુતારા થઈ મહારાષ્ટ્રને જાેડે છે. ગુજરાત મહારાષ્ટ્રને જાેડતા આ માર્ગ ઉપર ભારે વરસાદને કારણે કેટલેક ઠેકાણે ખાડાઓ પડી જતા તેના ઉપર ડામર પેચવર્કનુ કાર્ય પણ ઝડપભેર શરૂ કરી દેવામા આવ્યુ છે. એન.એચ. ભરૂચ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર હિતેશ સોલિયાના માર્ગદર્શન હેઠળ નવસારી સબ ડિવિઝનના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધર્માં ભટ્ટ દ્વારા આ નેશનલ હાઈ વે ઉપર હાથ ધરાયેલુ આ 'માર્ગ સુધારણા અભિયાન' પૂર્ણ થતા, વાહન ચાલકોને મોટી રાહત મળશે, તેમ એક મુલાકાતમા જણાવાયુ છે.

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પડેલા અનરાધાર વરસાદને પગલે રાજ્યના મોટાભાગના જાહેર માર્ગો ઉપર ભારે નુકશાન થવા પામ્યુ હતુ. જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. રાજ્યના વાહન ચાલકો અને પ્રજાજનોની આ મુશ્કેલી નિવારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે વિશેષ 'માર્ગ સુધારણા અભિયાન' હાથ ધર્યું છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા, અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે આંતરરાજ્ય ધોરી માર્ગોથી જાેડાયેલા ડાંગ જિલ્લામા પણ આ અભિયાન આગળ વધી રહ્યુ છે. ડાંગમા જિલ્લા પંચાયત, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) સહિત નેશનલ હાઈ વે ઓથોરિટીનો પણ એક માર્ગ આવેલો છે. જેના ઉપર પણ ડામર પેચવર્કનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ પણ દિવાળી પહેલા રાજ્યના તમામ માર્ગોની સુધારણાનો લક્ષ નિર્ધાર કર્યો છે. જે ધ્યાને લેતા ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ જિલ્લા પંચાયત, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિત ડાંગમાંથી પસાર થતા એક માત્ર નેશનલ હાઈ વે નંબર ૯૫૩ ઉપર પણ ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવાની સૂચના આપી છે. જે મુજબ આ તમામ વિભાગોએ તેમના હસ્તકના માર્ગોની સુધારણાનુ કાર્ય પુરજાેશમા શરૂ કરી દીધુ છે.