રાજકોટ-

રાજકોટ શહેરમાં ઓફિસ ખોલીને વિદેશના લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. શહેરના આલ્ફા પ્લસ કોમ્પલેક્ષમાં પોલીસે દરોડો પાડી કોલ સેન્ટર ચલાવતી યુવતી સહિત 9 લોકોને ઝડપી લીધા હતા. ચિટર ગેંગ અમેરિકા અને કેનેડાના લોકોને મેસેજ મોકલી ધમકાવીને પૈસા પડાવતા હોવાનું બહાર આવ્યું હતું.

મળતી માહિતી મુજબ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા સિટીમાં બોગસ ઇન્ટરનેશનલ કોલસેન્ટર ચલાવી વિદેશીઓને લૂંટવાનું કારસ્તાન હવે રાજકોટ સુધી પહોંચ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રૈયા રોડ પર આલ્ફા પ્લસ બિલ્ડિંગમાં દરોડો પાડી નકલી કોલસેન્ટર ઝડપી પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી વિદેશીઓને ધૂતતા લૂંટારાઓને ઝડપી અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના અને કોલસેન્ટરની લાઈનમાં ખા ગણાતા શખ્સે તંત્રની મીઠી નજર હેઠળ રૈયા રોડ પાસે આલ્ફા પ્લસ બિલ્ડિંગમાં ચાર વિદેશીઓ સાથે મળી બહારના દેશોમાં કોલ કરી તેઓને ધૂતતા કોલ સેન્ટર પર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે.ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી પ્રદાફાશ કર્યો છે.

રાજકોટમાં ઝડપાયેલું કોલસેન્ટરના કનેક્શન ઇન્દોર સુધી હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે. રાજકોટમાં ઝડપાયેલા કોલસેન્ટર જેવા ચાર કોલસેન્ટર ઇન્દોરમાં એક વર્ષ પહેલાં ઝડપાયા હતા. જેમાં રાજકોટના શખ્સની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. આ ષડયંત્રમાં પણ હાર્દિક નામનો શખ્સ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. વિદેશી સાથે ઓનલાઈન ફ્રોડને ત્યાંથી સુરક્ષા એજન્સીઓ ગંભીર પણે લે છે અને ઈન્દોરમાં ઝડપાયેલા કોલસેન્ટર કાંડમાં વિદેશની એજન્સી પણ ત્યાં તપાસમાં આવી હતી તેવું જાણવા મળ્યું છે.