રાજકોટ-

રાજકોટમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર બીજા માળે એક વૃદ્ધાને તેમના જ પરિજનો દ્વારા કેદ કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ સાથી સેવા ગ્રુપના સભ્યોને થતા તાત્કાલિક જલ્પા પટેલ સહિતના સભ્યો હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા અને અભયમની મદદ લઈને તાત્કાલિક વૃદ્ધાને બંધ મકાનમાંથી મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ આ વૃદ્ધાને હોસ્પિટલ ખાતે હાલ ખસેડવામાં આવ્યા છે.

યુનિવર્સિટી રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના બીજા માળે એક વૃદ્ધાને બંધ કર્યા હોવાની જાણ સાથી સેવા ગ્રુપને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 181 અભયમની ટીમની મદદથી આ કવાર્ટરનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા. જ્યાં અંદર એક વૃદ્ધા એકલા મળી આવ્યા હતા. તેઓ ચાલી કે વધુ બોલી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ વૃદ્ધાને તેમના જ પરિવારના સભ્યો દ્વારા બંધ કરવામાં આવ્યા હતા અને તેમને માર પણ મારવામાં આવ્યો હોવાની કેફિયત તેમણે રજૂ કરી હતી.