17, જુલાઈ 2025
રાજકોટ |
2475 |
ગુજરાતના અત્યાર સુધીના ચકચારી દુર્ઘટના કેસોમાં સૌથી ઝડપી ચાર્જ ફ્રેમ થયેલો કેસ ગણાવ્યો
TRP ગેમઝોન અગ્નિકાંડમાં કુલ ૨૭ લોકોના કરુણ મોત થયા હતા
રાજકોટના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આજે, ૧૭ જુલાઈ, ૨૦૨૫ના રોજ તમામ ૧૫ આરોપીઓ વિરુદ્ધ તહોમત (ચાર્જ) ફ્રેમ કરવામાં આવ્યું છે. ૨૫ મે, ૨૦૨૪ના રોજ બનેલી આ કરુણ ઘટનાના માત્ર ૪૧૮ દિવસમાં જ ચાર્જ ફ્રેમ થતા, રાજકોટ બારના પૂર્વ ઉપપ્રમુખ અને વકીલ સુરેશ ફળદુએ તેને ગુજરાતના અત્યાર સુધીના ચકચારી દુર્ઘટના કેસોમાં સૌથી ઝડપી ચાર્જ ફ્રેમ થયેલો કેસ ગણાવ્યો છે.આજની સુનાવણી દરમિયાન, આરોપી જયદીપ ચૌધરીએ મુદત માંગવાની અરજી કરી હતી, પરંતુ કોર્ટે આકરો દંડ કરવાની ટિપ્પણી કરતા તેણે તાત્કાલિક અરજી પરત ખેંચી લીધી હતી. ચાર્જ ફ્રેમ થતાંની સાથે જ કેસની સુનાવણી ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. હવે પછી કયા સાક્ષીને પહેલા બોલાવવામાં આવશે તે અંગેની જાણકારી ટૂંક સમયમાં આપવામાં આવશે. આ કેસની આગામી સુનાવણી ૩૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ નક્કી કરવામાં આવી છે. TRP ગેમઝોન અગ્નિકાંડમાં કુલ ૨૭ લોકોના કરુણ મોત થયા હતા. આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સહિત કુલ ૧૬ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે પૈકી એક આરોપીનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હોવાથી, પોલીસે બાકીના ૧૫ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં કુલ ૧૫ આરોપીઓમાંથી અત્યાર સુધીમાં ૫ આરોપીઓને જામીન મળ્યા છે. જેમાં ૩ આરોપીઓને ગુજરાત હાઈકોર્ટ દ્વારા, એક આરોપીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા અને ગત ૧૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં ૧૦ આરોપીઓ રાજકોટ જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટમાં ઈલેશ ખેર વતી તેમના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં કુલ ૩૬૫ જેટલા સાક્ષીઓ છે, જેમની તપાસમાં ઘણો સમય લાગી શકે છે. ઘટનાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી કેસની ટ્રાયલ શરૂ થઈ નથી. વધુમાં, વકીલે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો દાખલો આપ્યો હતો, જેમાં ૧૩૦થી વધુ લોકોના મોત થયા હોવા છતાં આરોપીઓને જામીન મળ્યા હતા. TRP ગેમઝોન કેસમાં ૨૭ લોકોના મોત થયા હોવાથી, મોરબી પુલ કેસની જેમ જ આ કેસમાં પણ જામીન મળવાપાત્ર હોવાની દલીલને સુપ્રીમ કોર્ટે માન્ય રાખીને ઈલેશ ખેરને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.