રાણા દગ્ગુબતી તથા મિહિકા બજાજના લગ્નની તૈયારીઓ શરૂ!
22, જુન 2020

રાણા દગ્ગુબતી તથા મિહિકા બજાજની રોકા સેરેમની મે મહિનાનામાં યોજાઈ હતી. હવે, આ બંનેના લગ્ન આઠ ઓગસ્ટના રોજ યોજાવાના છે. તેમના લગ્ન પહેલાંની વિધિઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં જ રાણા તથા મિહિકાની ‘લગ્ન પત્રિકા’ વિધિ કરવામાં આવી હતી. આ વિધિમાં વરપક્ષના લોકો દુલ્હનના ઘરે જાય અને ત્યાં વેડિંગ કાર્ડ્સ વહેંચે છે એટલે કે રાણા દગ્ગુબતીનો પરિવાર મહિકાના ઘરે ગયો હતો અને અહીંયા કંકોત્રીઓ વહેંચી હતી. શનિવારે (20 જૂન)ના રોજ મિહિકાએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરી હતી અને કેપ્શન આપ્યું હતું કે સેલિબ્રેશન હજી પણ ચાલે છે.

મિહિકા ગ્રીન લહેંગા તથા મિનિમમ મેકઅપ તથા જ્વેલરીમાં ઘણી જ સુંદર લાગતી હતી. મિહિકાએ ઈન્સ્ટાગ્રામમાં તસવીરો શૅર કરી હતી અને એક્ટ્રેસ સમંથાએ આ પોસ્ટ પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે સુંદર. તો સાઉથ એક્ટર વેંકટેશની મોટી દીકરી આશ્રિતા દગ્ગુબતીએ કમેન્ટ કરતાં કહ્યું હતું કે તું બહુ જ ગોર્જિયસ લાગે છે.

આઠ ઓગસ્ટના રોજ રાણા તથા મિહિકાના લગ્ન છે. જોકે, હજી સુધી લગ્ન સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. જોકે, એવી પણ ચર્ચા થઈ રહી છે કે લગ્ન હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં યોજાશે.

રાણા દગ્ગુબતીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની અપકમિંગ ફિલ્મ ‘હાથી મેરે સાથી’ છે. આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુમાં બની છે. આ ફિલ્મ માટે રાણાએ 35 કિલો વજન ઘટાડ્યું હતું અને બે વર્ષ સુધી રોલ માટે ઘણી જ મહેનત કરી હતી. ફિલ્મ 2 એપ્રિલ 2020માં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી અને હજી સુધી નવી ડેટ જાહેર કરવામાં આવી નથી.

રાણાએ મિહિકા બજાજ સાથેના સંબંધો છૂપાવીને રાખ્યા હતાં. મિહિકા બિઝનેસ પરિવારમાંથી આવે છે. મિહિકા પોતાની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ડ્યૂ ડ્રોપ ડિઝાઈન સ્ટૂડિયોની ફાઉન્ડર છે. મિહિકાએ મુંબઈમાંથી ઈન્ટિરિયર ડિઝાઈનમાં ડિપ્લોમા કર્યું છે. તેણે લંડનમાંથી આર્ટ એન્ડ ડિઝાઈનમાં માસ્ટર ડિગ્રી લીધી છે. મુંબઈમાં તે છેલ્લાં એક વર્ષથી ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution