29, ઓગ્સ્ટ 2020
આણંદ : આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે હવે રેપીડ ટેસ્ટનો સહારો લવામાં આવી રહ્યો છે. આણંદમાં કોરોનાને કંટ્રોલ કરવા માટે મોલ્સ, બેંકો, સંસ્થાઓમાં રેપીડ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લાંભવેલ રોડ પર આવેલાં રિલાયન્સ મોલમાં રેપીડ ટેસ્ટમાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં પછી હવે ગુરુવારે વિદ્યાનગર રોડ પર આવેલાં બિગ બજારમાં રેપીડ ટેસ્ટ દરમિયાન ત્રણ કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે શાસ્ત્રીબાગ પાસે આવેલી બેંકમાં કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ કરતાં ચારના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતાં.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ, કોરોના સંક્રમણ ફેલાઈ શકે તેવી જગ્યાઓ આઇડેન્ટિફાઇ કરીને ત્યાં ઓન ધ સ્પોટ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં આ પ્રમાણે કોરોનાને કંટ્રોલ કરવા માટે બેંકો, વિવિધ સંસ્થાઓ અને જરૂરત જણાશે એવી બધી જગ્યાએ રેપીડ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવશે, જેનાં કારણે આગામી દિવસોમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે.
બુધવારે રિલાયન્સ મોલ બાદ ગુરુવારે બિગ બજારમાં આરોગ્ય વિભાગની ટીમે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે પહોંચી જઈ મોલમાં કામ કરતાં ૮૧ કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ કર્યો હતો, જેમાંથી ત્રણ કર્મચારીનો ટેસ્ટ પોઝિટિવ આવતાં સમરસ કેન્દ્ર મોકલી આપ્યાં હતાં. આ વિશે આણંદ નગરપાલિકાને જાણ કરવામાં આવતાં બિગ બજારને તાત્કાલિક સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાલિકા દ્વારા બિગ બજારને સીલ કરીને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રીબાગ પાસે આવેલી બેંકના કર્મચારીઓનો પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ બેંકમાં ચાર વ્યક્તિના ટેસ્ટ પોઝિટિવ આળ્યાં હતાં.