આણંદ : આણંદ શહેરમાં ત્રણ સહિત તાલુકામાં ૫, પેટલાદ તાલુકામાં ૫ અને આણંદ સ્ટેશન રોડ પર આવેલ સ્ટેંટબેંક ઓફ ઇન્ડિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ૬૦ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૨ કર્મચારીઓને શંકાસ્પદ પોઝિટિવ જણાતાં બાકરોલ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સિનિયર સિટિઝનોને મુશકેલીઓના પડે તે માટે ૫ કર્મચારીઓ સાથે બેંક ખુલ્લી રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. 

બીજી તરફ ખંભાત, સોજિત્રા અને ઉમરેઠમાં એક એક પોઝિટિવ કેસ સાથે શુક્રવારના રોજ કુલ ૧૩ કેસ નોંધાયા હતાં. જિલ્લાનો કુલ આંક ૯૬૮ પહોંચી ગયો છે. આણંદ શહેરમાં ત્રણ નવા કેસ સાથે આંકડો ૩૩૦ને આંબી ગયો છે. પેટલાદ તાલુકમાં ૬૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. ગ્રામ્ય વિસ્તારમાં સતત વધી રહેલાં કેસ લઇને લોકોમાં ચિંતતા વ્યાપી ગઇ છે. આણંદ સ્ટેશન રોડ પર ડીએન હાઇસ્કૂલ પાસે આવેલી એસબીઆઇ બેંકમાં ૬૦ કર્ચમારીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી ૧૨ શંકાસ્પદ પોઝિટિવ કેસ મળ્યાં છે. આણંદ શહેર ભાથીજી મંદિર, ટાઉનહોલ કરમસદ, લાંભવેલ અને ઓડ ગામે કોરોના પોઝિટિવ કેસ નોંધ્યા છે. જિલ્લામાં સતત વધી રહેલાં કેસના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ગામેગામ રેપીડ ટેસ્ટની કામગીરી વધારી દીધી છે. સાથે સાથે ધન્વતરી રથ દ્વારા આરોગ્ય વર્ધક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે કે, સંક્રમણ અટકાવવા માટે ૧૬ ગામોમાં રેપીડ ટેસ્ટ કરાશે. કોરોના વાઇરસનું સંક્રમણ જિલ્લામાં સતત વધી રહ્યું છે. જેમાં વધુ સંક્રમણ ધરાવતા જિલ્લાના ૧૬ ગામોમાં રેપીડ ટેસ્ટની કામગીરી વધારી દેવામાં આવશે. આ ગામોમાં વાસદ ખાતે ૨૦૦થી વધુ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ૪ શંકાસ્પદ કેસ મળ્યાં છે. આગામી દિવસોમાં પેટલાદ તાલુકાના ૭, આણંદ તાલુકાના ૫, બોરસદ તાલુકાના ૨ અને ખંભાત, સોજિત્રા તાલુકાના ૧-૧ ગામમાં તાલુકા હેલ્થ વિભાગ દ્વારા રેપીડ ટેસ્ટ કરવામાં આવશે.